જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવા માટે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદથી તેમને પદ પરથી હટાવવાની બે અરજીઓ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. હાઈકોર્ટે બંને અરજી નકારી કાઢી છે.
હાલ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે, અગાઉ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે એવી જાહેરાત કરી ચુક્યા છે, દિલ્હી આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોએ પણ કેજરીવાલના મુખ્ય પ્રધાન પદ પર બની રહે એવી હિમાયત કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે લોકશાહીને તેની રીતે કામ કરવા દેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ લોકશાહીનો ઉપયોગ અંગત એજન્ડા માટે કરી શકે નહીં.
દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે તમે આ મુદ્દાને અન્ય ફોરમમાં પણ ઉઠાવી ચૂક્યા છો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આ મુદ્દે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કોઈ સૂચના નહીં આપે. કોર્ટે કહ્યું કે એલજીને અમારા માર્ગદર્શનની જરૂર નથી. તેઓ કાયદા અનુસાર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીની સરકાર જેલમાંથી ચલાવવામાં આવશે નહીં.
દિલ્હી હાઈકોર્ટે ૨૮ માર્ચે આવી જ એક અરજી ફગાવી દીધી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારના વકીલને પૂછ્યું કે શું આમાં કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? આમાં ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે તો એલજી તેની તપાસ કરશે. તેમની ભલામણ પર રાષ્ટ્રપતિ નિર્ણય લેશે.
કોર્ટે અગાઉ કહ્યું હતું કે અમે અખબારોમાં દિલ્હી એલજીનું નિવેદન પણ વાંચ્યું છે. અમે જાણીએ છીએ કે આ બાબત તેમના ધ્યાનમાં છે. અત્યારે તેમને આ મામલો સંભાળવા દો. કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ ન આપી શકે. અમે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના પર આદેશ આપે.