હેલ્થ વીમો લેનાર ગ્રાહકો IRDAI એ મોટો નિર્ણય લીધો છે, હવે કંપનીએ એક કલાકમાં કેશલેશ માટે છૂટ આપવી પડશે, ત્રણ કલાકમાં ક્લેમ સેટલમેન્ટ કરવો પડશે અને ગ્રાહકે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ માટે રાહ નહીં જોવી પડે.

સ્વાસ્થ્ય વીમો લેનારા લોકોને મોટી ભેટ મળી છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ સ્વાસ્થ્ય વીમા પોલિસી માટેના નિયમનકારી ધોરણોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે વીમા કંપનીએ યુઝર્સની વિનંતીના એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં પોલિસી લેનાર વ્યક્તિએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની રાહ જોવી પડશે નહીં.
જો તેમાં ત્રણ કલાકથી વધુ સમય લાગે તો, બિલ વીમા કંપનીને ચૂકવવું પડશે. આ માટે IRDAI એ આને લગતો એક માસ્ટર સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે, જેમાં અગાઉના ૫૫ પરિપત્રોને રદ્દ કરવામાં આવ્યા છે, જેથી કરીને યુઝર માટે વીમો મેળવવો સરળ બને અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે.
હેલ્પ ડેસ્ક સ્થાપવા માટેનું સૂચન
IRDAIએ કહ્યું કે, વીમા કંપનીએ ઈમરજન્સી કેસમાં મળેલી વિનંતીઓ પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. આ માટે IRDAI એ વીમા કંપનીઓને ૩૧ જુલાઈ સુધીમાં કર્મચારીઓની નિમણૂક કરવાનો આદેશ પણ આપ્યો અને કહ્યું કે, વીમા કંપનીઓ હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક પણ બનાવી શકે છે, જ્યાંથી લોકોને સરળતાથી મદદ કરી શકાય. નવા ધારાધોરણો અનુસાર, એક કરતાં વધુ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ધરાવતા પોલિસીધારકો પાસે પોલિસી પસંદ કરવાનો વિકલ્પ હશે કે, જેના હેઠળ તેઓ સરળતાથી જરૂરી રકમ મેળવી શકે.
શા માટે IRDAI એ નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો?
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારા ૪૩ % લોકોએ હેલ્થ ક્લેમ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કિસ્સાઓમાં, દર્દીને રજા આપવામાં ૧૦-૧૨ કલાક જેટલો સમય લાગી જતો હતો.
જો સમાધાન ન થાય તો ડિસ્ચાર્જ કરવામાં આવતા ન હતા અને આ દરમિયાન હોસ્પિટલનો ખર્ચ દર્દી અને તેના પરિવાર પર બોજ બની જાય છે અને આવું ઘણા કિસ્સામાં બન્યું છે. ઘણી વખત હોસ્પિટલો દર્દીઓ પાસેથી વધારાના પૈસા વસૂલતી હોય છે, જેના કારણે તેમને સ્વાસ્થ્ય વીમો લેવાનો ખાસ લાભ મળ્યો નથી. હવે IRDAI એ આ મામલે કડક વલણ દાખવ્યું છે.