સપા નેતા આઝમ ખાનને મોટો ફટકો, એક કેસમાં કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી.
ઉત્તર પ્રદેશની રામપુર એમપીએમએલે કોર્ટે ચકચારી ડૂંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ કેસમાં તેને ૧૦ વર્ષની સજા અને રૂપિયા ૧૪ લાખનો દંડ ફટકાર્યો છે. આઝમ ખાન વિરુદ્ધના રામપુરના ડૂંગરપુર કેસમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસમાં અબરાર નામના એક વ્યક્તિએ આઝમ ખાન, નિવૃત્ત સીઓ આલે હસન ખાન અને કોન્ટ્રાક્ટર બરકત અલી સહિત ત્રણ લોકો વિરુદ્ધ છ ડિસેમ્બર-૨૦૧૯ માં ફરિયાદ નોંધાવી હતી.
અબરારના જણાવ્યા મુજબ નિવૃત્ત સીઓ આલે હસન ખાન અને બરકત અલીએ તેની સાથે મારપીટ કરી ઘરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં બંનેએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ લોકોએ છ ડિસેમ્બર-૨૦૧૬ ના રોજ અબરારનું મકાન પણ તોડી પાડ્યું હતું. ત્યારબાદ આ મામલે ફરિયાદીએ ૨૦૧૯માં થાના ગંજમાં ફરિયાદ નોંધાવી હતી.
નિવૃત્ત સીઓ આલે હસન ખાન વિરુદ્ધ હાઈકોર્ટનો સ્ટે હોવાથી તેની ફાઇલને આ કેસમાંથી અલગ કરાઈ હતી. આઝમ ખાનની પત્ની તન્ઝીન ફાતિમા ગઈકાલે જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત થઈ હતી. આજે કોર્ટે આઝમ ખાનને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે.