ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ની શરુઆત ૧ જૂન એટલે કે આજથી થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં યોજાઈ રહી છે. પહેલી મેચ ડલાસમાં અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.
અમેરિકામાં સમયના તફાવત હોવાના કારણે ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ ૨ જૂનથી શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમો ભાગ લેવાની છે. ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર એવુ બની રહ્યું છે કે જ્યારે ૧૬ થી વધુ ટીમો મેદાનમાં ઉતરશે. આ વખતે ૩ નવી ટીમો પણ જોડાઈ છે, જે ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે.
૧. યુગાન્ડા
યુગાન્ડા આ વર્ષે ૨૦૨૪માં પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે. આફ્રિકા ક્વોલિફાયરમાં યુગાન્ડાએ રવાંડાને ૯ વિકેટે હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. યુગાન્ડાએ પણ ઝિમ્બાબ્વેને હરાવીને રેકોર્ડ બનાવ્યો છે. યુગાન્ડા નામ વિશ્વના સૌથી ગરીબ દેશોમાં આવે છે. ત્યાં દેશની મોટાભાગની વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહે છે. આવી સ્થિતિમાં ટીમ માટે આટલા મોટા મંચ પર રમવું ખરેખર મોટી વાત હશે. યુગાન્ડાને ગ્રૃપ ‘સી’ માં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાપુઆ ન્યુ ગિની અને વેસ્ટ ઈન્ડિઝની સાથે રાખવામાં આવ્યું છે.
૨. અમેરિકા
આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે. આ સાથે અમેરિકાએ યજમાન તરીકે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું. અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે દેશને યજમાન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા દરેક લીગ મેચો માત્ર અમેરિકામાં જ રમશે. તેમજ ટૂર્નામેન્ટની પહેલી મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. જ્યારે અમેરિકાને ટુર્નામેન્ટના ગ્રુપ ‘એ’માં સમાવેશ કરવામાં આવ્યો છે.
૩. કેનેડા
કેનેડાની ક્રિકેટ ટીમ ચાર વખત ODI વર્લ્ડ કપનો ભાગ બની ચૂકી છે, પરંતુ ટીમ પહેલીવાર ટી-૨૦ વર્લ્ડ કપ માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપ રમી રહેલા કેનેડાને ૨૦૨૪માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ગ્રુપ ‘A’માં રાખવામાં આવ્યું છે. ગ્રુપ ‘A’માં કેનેડા ઉપરાંત ભારત, પાકિસ્તાન, અમેરિકા અને આયર્લેન્ડનો સમાવેશ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડલાસમાં કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે.