ભારત હવે વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ) ધરાવતો ચોથો દેશ બની ગયો છે. ભારત સરકારની તિજોરીમાં હવે રૂ. 42 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ છે. આ સાથે જ ભારતે રશિયાને પાછળ છોડી દીધું છે. આ વર્ષે ભારત અને રશિયાના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થવાની શરૂઆત થયા પછી આ આંકડા બદલાયા છે. આરબીઆઈએ 13 માર્ચના રોજ કહ્યું કહ્યું કે, પાંચમી માર્ચ સુધીમાં ભારતનું ફોરેક્સ 4.3 અબજ ડૉલર ઘટીને 580.3 અબજ ડૉલરે (રૂ. 42 લાખ કરોડ) પહોંચી ગયું છે. આ દરમિયાન રશિયાનું ફોરેક્સ 580.1 અબજ ડૉલર હતું.
હાલ વિશ્વમાં સૌથી વધુ ફોરેક્સ ચીન પાસે છે. ત્યાર પછી અનુક્રમે જાપાન અને સ્વિત્ઝર્લેન્ડનો નંબર આવે છે. નિષ્ણાતોના મતે, ભારત પાસે હાલ 18 મહિના આયાત કરી શકે એટલું વિદેશી હુંડિયામણ છે. તેના કારણ કરન્ટ એકાઉન્ટ સરપ્લસ, સીધા વિદેશી મૂડીરોકાણમાં વધારો અને સ્થાનિક શેરબજારોમાં ઠલવાતો ઈનફ્લો છે. દક્ષિણ એશિયાના વિવિધ દેશો અર્થતંત્રમાં અચાનક સર્જાતા આઉટફ્લો સામે રક્ષણ મેળવવા સતત ફોરેક્સ મજબૂત કરી રહ્યા છે.