અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ
સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે આજે રવિવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે લગભગ ૦૫:૦૦ વાગ્યે, ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ, રાજ્યના તમામ છ જિલ્લાઓમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવ્યા હતા અને ઇવીએમને મતગણતરી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણી અધિકારીઓ, મતગણતરી નિરીક્ષકો અને ચૂંટણી એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યની વિધાનસભાની ૩૨ બેઠકો અને સિક્કિમમાં એકમાત્ર લોકસભા બેઠક માટે પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે થઈ રહી છે જ્યારે દેશના અન્ય રાજ્યોની સાથે લોકસભાની ચૂંટણીની મતગણતરી ૪ જૂને થશે.
આજે મતગણતરી પૂર્ણ થયા પછી, તે સ્પષ્ટ થઈ જશે કે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) રાજ્યમાં ફરીથી સરકાર બનાવશે કે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) ૨૫ વર્ષ સુધી શાસન કરનાર સરકારમાં પરત આવશે. સિક્કિમમાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા હોવાની અટકળોનો પણ આજે અંત આવશે.