શરદ પવાર બંને સાથે સંપર્કમાં.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે, NDAને ૪૦૦ સીટ મળવાનો દાવો તદ્દન પોકળ સાબિત થયો છે, NDA ગઠબંધન ૩૦૦ બેઠકના આંકડા સુધી પહોંચવા સંઘર્ષ કરી રહી છે. બપોરે ૦૩:૩૦ વાગ્યે ચૂંટણી પંચના આંકડા મુજબ NDA ગઠબંધન ૨૯૫ બેઠકો પર આગળ છે, જયારે INDIA ગઠબંધન ૨૩૧ બેઠકો પર આગળ છે, ત્યારે INDIA ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તે બહુમતીના આંકડા ૨૭૨ સુધી પહોંચી શકે છે.
ભાજપે હવે કેન્દ્રમાં આગામી સરકાર બનાવવા માટે જનતા દળ યુનાઈટેડ(JDU)ના વડા નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુનો વિશ્વાસ ટકાવી રાખવો જરૂરી રહેશે, એવામાં આ બંને નેતા કિંગ મેકર સાબિત થઇ શકે છે. હાલ TDP ૧૬ બેઠકો પર આગળ છે, જયારે JDU ૧૪ બેઠકો પર આગળ છે.
બંને નેતાઓ લોકસભાની ચૂંટણી ૨૦૨૪ના થોડા સમય પહેલા જ NDA ગઠબંધન સાથે જોડાયા હતા. બિહારમાં લાલુની આરજેડી સાથે છેડો ફાડ્યા બાદ નીતિશ કુમાર NDAમાં પાછા ફર્યા હતા, જ્યારે ચંદ્રાબાબુ નાયડુ ૧૦ વર્ષ પહેલા અલગ થયા બાદ બીજેપીના નેતૃત્વના ગઠબંધનમાં જોડાયા હતા.
ભાજપ પોતાના દમ પર ૨૭૨ના આંકડા સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, હાલ ભાજપ ૨૪૦ બેઠકો પર આગળ છે, NDA-૩ સરકાર બનાવવા માટે ભાજપને બંને આ પ્રાદેશિક નેતાઓના સમર્થનની જરૂર પડશે.
એવામાં અહેવાલો વહેતા થયા છે કે શરદ પવાર ચંદ્રબાબુ નાયડુ અને નેતા નીતિશ કુમારના સંપર્કમાં છે. પરિણામો સ્પષ્ટ થયા બાદ ભારતના રાજકરણમાં મોટા ફેરફારની શક્યતા સેવાઈ રહી છે.