ચોમાસું ગુજરાતથી માત્ર ૫૪૦ કિમી દૂર છે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. જેની અસર હાલ દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો સાથે વરસાદી માહોલ છવાયો છે. સુરત, વલસાડ અને નવાસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો.
સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં વેડ રોડ, રિંગરોડ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ત્યારે કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાટા પડ્યા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી છાટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જૂન મહિનો ધીમે ધીમે આગળ ધપતો જાય છે ત્યારે ગરમીનો પારો ગગડી રહ્યો છે. અને ચોમાસું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાતના ૮ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી હતી. બીજી તરફ ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેલો છે. આગામી દિવસોમાં ધીમે ધીમે ગરમી ઘટતી જોવા મળશે.
વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. કામધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ગરમીને લઈને સમગ્ર જિલ્લામાં ઉકળાટની સ્થિતિ છે. જોકે, વરસાદથી ઠંડકનો અહેસાસ પણ લોકોને થયો છે. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટા પડ્યા છે, બીજી તરફ નવસારીના શહેરી વિસ્તારોમાં ઉકળાટની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. આ અચાનક થયેલા વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે, અને લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. લોકોને આ અચાનક પરિવર્તન માટે સતર્ક રહેવું જોઈએ. ભેજ અને ગરમીના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી શકે છે.
અમદાવાદમાં ૭ થી ૧૨ જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અમદાવાદમાં વરસાદની એન્ટ્રી જૂનના છેલ્લા વીકમાં થવાની શક્યતા હોવાથી હાલ ગરમી-બફારાનું પ્રમાણ યથાવત્ રહેવાની વકી છે. હવામાનના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ ૪૧.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં હીટવેવનું જોર ઘટ્યા બાદ ગરમીમાં રાહત થઈ છે, હજુ આગામી ૧૦ દિવસ સુધી શહેરમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતા છે.