વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વર્ષ 2019ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસની બીમારીના કેસો સૌપ્રથમ ચીનના વુહાનમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી વર્ષ 2020ના જાન્યુઆરીમાં ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.
સરકારના આંકડા મુજબ આજે માર્ચ-2021માં ભારતમાં કુલ 2.34 લાખ ઍક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1.59 લાખ મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજી તરફ રિકવરી રેટ 96.56 ટકા રહ્યો છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અને ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જોકે સૌથી અગત્યની વાત એ જોવા મળી છે કે બાળકો પણ સંક્રમિત થતા જોવા મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે તો મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 23 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.
આ અગાઉ બુધવારે દિવસ દરમિયાન સમગ્ર સ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ રાજ્યોના પ્રધાનો સાથે બેઠક કરી હતી. જેમાં દેશમાં કોરોનાની બીજી લહેર (સેકન્ડ પીક) માટે સચેત રહેવા કહેવાયું છે.
વડા પ્રધાને કૉન્ફરન્સમાં કહ્યું, “સફળતા બેદરકારીમાં તબદીલ ન થવી જોઈએ. રસીનો બગાડ પણ થઈ રહ્યો છે એવું જાણવા મળ્યું છે. આપણે આ બધી બાબતોમાં કાળજી રાખવી પડશે”