મોદી કેબિનેટ: મોદી ૩.૦ કેબિનેટનો ચહેરો કેવો હશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. વિવિધ સહયોગી પાર્ટીઓએ પોતાની માંગણીઓ રાખી છે જેના ઉપર ચર્ચા ચાલી રહી છે.
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેઓ રવિવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. સૂત્રોનું માનીએ તો મોદી કેબિનેટમાં ઘણા સહયોગી પક્ષોના સાંસદોને પણ સામેલ કરવામાં આવી શકે છે. ગઈકાલે શુક્રવારે રાત્રે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએ ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રાલયોને લઈને ચર્ચા થઈ હતી. મોદી ૩.૦ કેબિનેટનો ચહેરો કેવો હશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
સહયોગી દળોની માંગણીઓ પણ સસ્પેન્સ
સૂત્રોનું માનીએ તો એનડીએના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને જનતા દળ (સેક્યુલર) સહિત અન્ય પક્ષોએ ભાજપ સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી છે. જો કે હજુ સુધી એ જાહેર થયું નથી કે કઈ પાર્ટીને કયો પોર્ટફોલિયો મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલાં નવા ચૂંટાયેલા NDA સાંસદો આજે કેબિનેટ પ્રધાનોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે. પીએમ મોદી અને તેમની નવી કેબિનેટના સભ્યો આવતીકાલે ૯ જૂન ૨૦૨૪ના રોજ સાંજે એક ભવ્ય સમારોહમાં શપથ લેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ તેઓ પ્રથમ ત્રણ વખત વડાપ્રધાન બનશે.
કેવું રહ્યું લોકસભા ચૂંટણી પરિણામ?
૨૦૧૪માં ૨૮૨ બેઠકો અને ૨૦૧૯ માં ૩૦૩ બેઠકો જીતનાર ભાજપે આ વખતે ૨૪૦ બેઠકો જીતી હતી (૨૭૨-બહુમતીના નિશાનથી ૩૨ ટૂંકી), પરંતુ NDA સાથીઓની મદદથી {ચંદ્રબાબુ નાયડુની TDP (૧૬ બેઠકો) અને નીતીશ કુમારની JDU (૧૨ બેઠકો)} બહુમતીનો આંકડો પાર કર્યો અને ૨૯૩ બેઠકો મેળવી. વિપક્ષી ઈન્ડિયા બ્લોકને ૨૩૨ બેઠકો મળી હતી.