ટી૨૦ વર્લ્ડ કપ-૨૦૨૪ની ગ્રૂપ સ્ટેજની મેચ આજે ભારતીય ટીમ પાકિસ્તાન સામે ૧૯ ઓવરમાં ૧૧૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
જેની સામે પાકિસ્તાન ૧૨૦ રનના લક્ષ્યાંકને પાર કરવા માટે મેદાનમાં ઉતરી હતી. શરૂઆત મજબૂત કરી હતી પરંતુ ભારતના બોલરોએ દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાન ટીમને ૬ રનથી હરાવી શાનદાર જીત મેળવી હતી.
ભારતની શાનદાર બોલિંગ
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર આજે વધારે ખાસ દમ દેખાડી શક્યા ન હતા ત્યારે એક સમયે લાગતું હતું કે ભારત માટે જીતના કોઈ અણસાર દેખાતા ન હતા. પરંતુ ભારતના બોલરોએ જોરદાર પ્રદર્શન કરતા મેચની બાજી જીતમાં પલટી નાખી હતી. ટીમ ઈંડિયા તરફથી સૌથી વધુ ૩ વિકેટ જસ્પ્રીત બુમરાહે લીધી હતી. તેને મેન ઓફ ધ મેચ પણ અપાઈ હતી. બીજી બાજુ હાર્દિક પંડ્યાએ ૨ વિકેટ, જ્યારે અર્શદીપ અને અક્ષર પટેલે ૧-૧ વિકેટ લીધી હતી.
પાકિસ્તાને શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ ઇન્ડિયાના બોલરો સામે વધારે ટકી શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન (૩૧) મોહમ્મદ રીઝવાનના હતા જ્યારે બાકીના ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા હતા.
ટીમ ઈન્ડીયાની બેટિંગ
ટીમ ઈન્ડિયાના માત્ર અક્ષર પટેલ અને ઋષભ પંત સિવાય બાકીના તમામ ખેલાડીઓ સસ્તામાં પેવેલીયન ભેગા થઈ ગયા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી નશીમ શાહ અને હરીશ રાઉફે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા વરસાદ પડવાના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ વરસાદ બંદ થતા મેચ શરૂ કરાઈ હતી અને પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IND vs Pak Score
વિકેટ-૧૦ : ભારતીય ટીમ ૧૯ ઓવરમાં ૧૧૯ રને ઓલઆઉટ થઈ ગઈ છે.
વિકેટ-૯ : જસપ્રિત બુમરાહ ઝીરો રને આઉટ થયો છે. હરીશ રઉફની ઓવરમાં ઈમાન વાસીમે તેનો કેચ કર્યો છે. આ સાથે ભારતે ૧૭.૫ ઓવરમાં ૧૧૨ રન નોંધાવ્યા છે.
વિકેટ-૮ : ભારતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પંડ્યા માત્ર સાત રન બનાવી પેવેલીયન ભેગો થઈ ગયો છે. તે હરીશ રઉફની ઓવરમાં ઈફ્તારખારના હાથે કેચ આઉટ થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૧૭.૪ ઓવરમાં ૧૧૨ રન પર પહોંચ્યો છે.
વિકેટ-૭ : પાકિસ્તાને ભારતને ચોંકાવનારો ઝટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ વધુ એક મહત્વની રવિન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવી છે. જાડેજા ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગો થઈ ગયો છે. આમ ભારતને સ્કોર ૧૪.૨ ઓવરમાં સાત વિકેટે ૯૬ રન પર પહોંચ્યો છે.
વિકેટ-૬ : ટીમ ઈન્ડિયા ૧૦૦ રન પુરા કરે તે પહેલા વધુ એક મોટી વિકેટ ગુમાવી છે. ઋષભ પંત ૩૧ બોલમાં છ ફોર ફટકારી ૪૨ રને આઉટ થયો છે. તે મોહમ્મદ આમીરની બોલિંગમાં બાબર આઝમે પંતને કેચ આઉટ કર્યો છે. આ સાથે ૯૬ રને ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી છે.
વિકેટ-૫ : ભારતને એક પછી એક ઝટકો મળી રહ્યો છે. કોહલી-સૂર્યા બાદ શિવમ દુબે પણ સસ્તામાં આઉટ થયો છે. નશીમ શાહની ઓવરમાં તે કેચ એન્ડ બોલ્ડ થયો છે. તેણે માત્ર ત્રણ નોંધાવ્યા છે. આમ ભારતીય ટીમે ૧૩.૨ ઓવરે ૯૫ રન નોંધાવી પાંચમી વિકેટ ગુમાવી છે.
વિકેટ-૪ : આજની મેચમાં સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યો નથી. હરીશ રાઉફની ઓવરમાં મોહમ્મદ આમીરે તેને કેચ આઉટ કર્યો છે. તેણે ૮ બોલમાં એક ફોર સાથે ચાર રન નોંધાવ્યા છે. આ સાથે ભારતે ૧૧.૨ ઓવરમાં ૮૯ રન નોંધાવી ચોથી વિકેટ ગુમાવી છે.
વિકેટ-૩ : અક્ષર પટેલે ૧૮ બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે ૨૦ રન નોંધાવી આઉટ થયો છે. નશીમ શાહની ઓવરમાં તે ક્લિનબોલ્ડ આઉટ થયો છે. ૭.૪ ઓવરે ભારતે ૫૮ રન નોંધાવી ત્રીજી વિકેટ ગુમાવી છે.
વિકેટ-૨ : રોહિત શર્મા ૧૨ બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારી ૧૩ રને આઉટ થયો છે. શાહિન શાહ આફ્રિદીની ઓવરમાં હરીશ રાઉફે તેનો કેચ કર્યો હતો. આ સાથે ભારતે ૨.૪ ઓવરે ૧૯ રન નોંધાવી બીજી વિકેટ ગુમાવી હતી.
વિકેટ-૧ : વિરાટ કોહલી માત્ર ચાર રન બનાવી પેવેલીયન ભેગો થયો છે. નશીમ શાહની ઓવરમાં ઉસ્માન ખાને તેને કેચ આઉટ કર્યો છે. આ સાથે ૧.૩ ઓવરમાં ભારતે ૧૨ રન નોંધાવી પ્રથમ વિકેટ ગુમાવી છે.
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી
પાકિસ્તાનની ટીમ છઠ્ઠી જૂને ડલાસમાં અમેરિકાની ટીમ સામે સામે ટકરાઈ હતી, જ્યાં સુપર ઓવરમાં પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તો ભારતીય ટીમે શરૂઆતની મેચમાં આયર્લેન્ડને ૮ વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત શાનદાર રહી છે, જ્યારે પાકિસ્તાનની શરૂઆત ઘણી ખરાબ રહી છે.