ભાજપના ૩ સાંસદો તૃણમૂલ કોંગ્રેસના સંપર્કમાં.
મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદ ટીએમસીના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં લોકસભામાં ભાજપની સંખ્યા ઘટીને ૨૩૭ થઈ જશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપે માત્ર ૨૪૦ બેઠકો જીતી છે અને હાલમાં તે TDP, JDU જેવી ઘણી પાર્ટીઓ સાથે કેન્દ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તેના જ ત્રણ સાંસદો પક્ષ બદલે તો મુશ્કેલી પડશે. બંગાળ ભાજપે સાકેત ગોખલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પાર્ટીનું રાજ્ય એકમ એકજૂટ છે.
લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ૪૨ માંથી ૨૯ બેઠકો જીતી હતી. તે જ સમયે, રાજ્યમાં ભાજપની બેઠકોની સંખ્યા ૨૦૧૯ માં ૧૮ થી ઘટીને ૧૨ થઈ ગઈ છે. TMC રાજ્યસભાના સભ્ય ગોખલેએ ‘X’ પર પોસ્ટ કરતાં કહ્યું કે, ‘હાલમાં લોકસભામાં ભાજપના સાંસદોનો આંકડો ૨૪૦ છે અને I.N.D.I.A. ગઠબંધનના સાંસદોનો આંકડો ૨૩૭ છે. પશ્ચિમ બંગાળના ભાજપના ત્રણ સાંસદો અમારા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં સુખદ આશ્ચર્ય થશે. તે પછી ભાજપનો આંકડો ઘટીને ૨૩૭ થઈ જશે જ્યારે I.N.D.I.A. ગઠબંધનના સાંસદોની સંખ્યા વધીને ૨૪૦ થઈ જશે.