રક્તદાન એ એક પીડારહિત કાર્ય છે જે કોઈ જરૂરિયાતમંદનો જીવ બચાવી શકે છે.

લોહીનું એક ટીપું પણ કોઇનો જીવ બચાવી શકે છે. લોહી વિના, શરીર ફક્ત માંસ અને હાડકાંથી બનેલું હાડપિંજર જ રહે છે. લોહીની અછતને કારણે દેશ અને દુનિયામાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. જો જરૂરતમંદને સમયસર લોહી મળી જાય તો કોઈનો જીવ બચી શકે છે. દરરોજ હજારો લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે અને તેમનું તમામ લોહી વહી જાય છે. જો આવા દર્દીઓને સમયસર સારવાર ન મળે અને શરીરમાં લોહીની ઉણપ હોય તો તેઓ પણ મૃત્યુ પામી શકે છે.
લોકોમાં રક્તદાન માટે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૧૪ જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. રક્તદાન એ એક પીડારહિત કાર્ય છે જે કોઈ જરૂરિયાતમંદનો જીવ બચાવી શકે છે. આ દિવસને વિશ્વભરમાં ઉજવવાનો હેતુ દરેકને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી વધુ જીવન બચાવી શકાય.
વર્લ્ડ બ્લડ ડોનર ડે થીમ
વર્લ્ડ બ્લડ ડોનર ડે પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દર વર્ષે એક નવી થીમ બહાર પાડે છે. વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીને ૨૦ વર્ષ પૂરા થયા છે. જેથી આ વર્ષે થીમ છે “દાનની ઉજવણીના ૨૦ વર્ષ: રક્તદાતાઓનો આભાર”. આ થીમ પરથી સમજાય છે કે લોકોએ રક્તદાન કરવું જોઈએ.
વિશ્વ રક્તદાન દિવસ મહત્વ
રક્તદાન એ વિશ્વભરમાં જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ છે. ઘણી વખત સ્વાસ્થ્યમાં એવી મુશ્કેલીઓ આવે છે કે તરત જ લોહીની જરૂર પડે છે, આવી સ્થિતિમાં રક્તદાન સક્રિય ભૂમિકા ભજવે છે. રકતદાન જીવન બચાવવા, દર્દીની શસ્ત્રક્રિયાઓ, કેન્સરની સારવાર, દીર્ઘકાલીન રોગો અને આરોગ્ય સંબંધિત અન્ય જોખમોમાં મદદ કરવા માટે આવશ્યક છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ વિશ્વભરમાં આશરે ૧૧૮.૫૪ મિલિયન રક્તદાન એકત્રિત કરવામાં આવે છે. આમાંથી લગભગ ૪૦ % ઊંચી આવક ધરાવતા દેશોમાં એકત્ર કરવામાં આવે છે, જ્યાં વિશ્વની ૧૬ % વસ્તી વસે છે.
વિશ્વ રક્તદાન દિવસ ઇતિહાસ
બ્લડ ડોનર ડેની સૌપ્રથમ શરૂઆત મે ૨૦૦૫માં ૫૮ મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં કરવામાં આવી હતી. વર્લ્ડ બ્લડ ડોનર ડેને કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમનો જન્મ ૧૪ જૂન ૧૮૬૮ના રોજ થયો હતો. કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મદિવસની ઉજવણી માટે ૧૪ જૂનના રોજ આયોજિત વાર્ષિક કાર્યક્રમ તરીકે વિશ્વ રક્તદાન દિવસને ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કાર્લ લેન્ડસ્ટેઇનરને બ્લડ ગ્રુપ એબીઓ સિસ્ટમની શોધ કરીને આરોગ્ય વિજ્ઞાનમાં તેમના અપાર યોગદાન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રિચર્ડ લોઅર નામના એક અંગ્રેજ ચિકિત્સક હતા. તેઓ વિશ્વના પહેલા એવા માણસ હતો કે જેમણે પ્રાણીઓ સાથે રક્તદાનના વિજ્ઞાનનો પ્રયોગ કર્યો હતો અને બે કૂતરાંઓ વચ્ચે સફળતાપૂર્વક રક્તનું વહન કર્યું હતું.