તાજેતરની તમામ આતંકવાદી ઘટનાઓમાં એક મોટી પેટર્ન જોવા મળી છે કે આતંકવાદીઓ ગુપ્ત રીતે જંગલો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ વધી રહી છે, છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ સાથે અનેક વખત એન્કાઉન્ટર થયા છે, કેટલાક સૈનિકો શહીદ પણ થયા છે. આ વધતા તણાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે.
આ બેઠક જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આતંકવાદનો સફાયો થવો જરૂરી છે.
કાશ્મીર પર અમિત શાહનો સંદેશો
ગૃહમંત્રી અમિત શાહે બેઠક દરમિયાન કહ્યું હતું કે આતંકવાદને કચડવો જ જોઇએ અને તેને કોઇ પણ કિંમતે ફરી ઉભો થવા દઇ શકાય નહીં. શાહે અધિકારીઓને સંદેશ આપતા તો ત્યાં સુધી કહ્યું છે કે આતંકવાદના સમર્થકોને બક્ષી શકાય નહીં અને તેમની સામે દરેક સંભવ કાર્યવાહી કરવી પડશે.
આ સમયે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા અને ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પણ યોજાવા જઇ રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ કરતા અમિત શાહે અધિકારીઓને કહ્યું કે સંપૂર્ણ સુરક્ષા કવચ આપવામાં આવે, યાત્રાના માર્ગો પર સુરક્ષાને વધુ મજબૂત બનાવવમાં આવે, જો જરૂર પડે તો વધારાના દળોને પણ તૈનાત કરાશે.