પાવાગઢમાં જૈન તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ ત્રણ દિવસમાં પુનઃસ્થાપિત કરવા માંગ.
યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનામાં વડોદરામાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને જઈને આવેદન પત્ર આપ્યું હતું. આ મામલે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ‘આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વિગતો મંગાવી છે.’ આ ઘટના પછી વડોદરા જ નહીં, અમદાવાદ, સુરત, સહિત રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
પાવાગઢની ઘટનાના પગલે આજે (૧૭મી જૂન) વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા દેખાવો કરાયા હતા. આ ઉપરાંત વડોદરામાં જિલ્લા કલેકટરના નિવાસ્થાને જઈને જૈન અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરીને આવેદન પત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, ‘પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાનેથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલી બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ. અમારી માગ છે કે, તીર્થંકરની મૂતઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો.’
આ ઘટના પછી સુરતના જૈન સમાજમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન ઘટનાની ગંભીરતાને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘અમે જૈન તીર્થંકરોની મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાનો આદેશ આપી દીધો છે. આ પ્રતિમાઓ ઐતિહાસિક હતી.’