ગુજરાત વેધર : ગુજરાતમાં ઠેરઠેર મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે આટલા જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસાની શરુઆત થવાની સાથે જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે ખાસ કરીને દ્વારકા જિલ્લામાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ૩૦થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વાવાઝોડા, વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે.
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણી પ્રમાણે આજે ૧૮ જૂન ૨૦૨૪, મંગળવારના રોજ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, વંટોળ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ,કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
અમરેલી | બાબરા | ૪૫ |
ભાવનગર | ગારિયાધાર | ૨૯ |
અમરેલી | લિલિયા | ૨૫ |
છોટા ઉદેપુર | ક્વાંટ | ૨૫ |
વલસાડ | ઉમરગામ | ૨૧ |
અમરેલી | લાઠી | ૧૫ |
કચ્છ | માંડવી | ૧૫ |
દ્વારકા | દ્વારકા | ૧૦ |
જામનગર | લાલપુર | ૫ |
ભાવનગર | સિહોર | ૫ |
સુરેન્દ્રનગર | સાયલા | ૫ |
ભરૂચ | નેત્રંગ | ૫ |
ભાવનગર | પાલિતાણા | ૪ |
વલસાડ | ધરમપુર | ૩ |
ડાંગ | વઘઈ | ૩ |
ડાંગ | આહવા | ૩ |
અમરેલી | અમરેલી | ૨ |
બોટાદ | ગઢડા | ૨ |
દ્વારકા | ભાનવડ | ૧ |
પોરબંદર | પોરબંદર | ૧ |
રાજ્યમાં વરસાદ છતાં ગરમી ૪૦ ડિગ્રી પર યથાવત
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેમ છતાં ગુજરાતમાં ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. ૪૧.૯ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૈથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ ૪૦.૬ ડિગ્રી, સાથે અમદાવાદ અને ૪૦.૫ ડિગ્રી સાથે ગાંધીનગર રહ્યું હતું. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી ૪૦ ડિગ્રીની આસપાસ રહી હતી.