ઉદ્ધવસેના-શિંદેસેનાની સભાઓ પર મહારાષ્ટ્રની નજર.
મરાઠી માણૂસના માન-સન્માન માટે ૧૯ જૂન, ૧૯૬૬ ના રોજ બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી, જેને આજે ૫૮ વર્ષ પૂરા થયા છે. જોકે આજનું ચિત્ર ઘણું અલગ છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મૂળ શિવસેના પાસે પોતાનું નિશન ધનુષબાણ પણ રહ્યું નથી જ્યારે જેમની પાસે ધનુષબાણ છે તે શિવસેના ભાજપ અને એનસીપીના એક જૂથ સાથે સત્તામાં બેઠી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સારો દેખાવ કર્યો છે જ્યાર એકનાથ શિંદેની શિવસેના ધાર્યું પરિણામ લાવી શકી નથી. આનાથી વધારે મહત્વની વાત કે રાજ્યમાં ચારેક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે બન્ને જૂથ શિવસેના સ્થાપના દિવસ નિમિત્તે રણશિંગુ ફૂકંશે અને ક જ પક્ષના બે જૂથો વચ્ચે શક્તિ પ્રદર્શનની સ્પર્ધા થશે.
શિવસેનાના શિવસેના આજે તેનો ૫૮મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સ્થાપના દિવસ નિમિત્તે શિવસેનાના બંને જૂથો (એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે) રાજકીય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરે નવા ચૂંટાયેલા તમામ સાંસદોને શુભેચ્છા પાઠવશે અને વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. શિવસેના (UBT) દ્વારા સાંજે ૦૬:૦૦ કલાકે સન્મુખાનંદ હોલ, મુંબઈ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્ધવ ઠાકરે શિવસેના કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. અગાઉ મંગળવારે, ઉદ્ધવ ઠાકરેએ તેમના પુત્ર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે સાથે દાદરમાં મેયરના બંગલા ખાતે સેનાના સ્થાપકના સ્મારક સ્થળની મુલાકાત લીધી હતી. તેણે કહ્યું કે તે આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ તેના પિતાની જન્મજયંતિના દિવસે સ્મારકને લોકો માટે ખોલવા માંગે છે.
શિવસેના શિંદે જૂથ મુંબઈના વરલીમાં એક કાર્યક્રમ કરશે. સીએમ એકનાથ શિંદે બુધવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. શિંદે જૂથના શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ જણાવ્યું હતું કે તેઓ શિંદે સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર સભ્યપદ અભિયાન, મતદાર નોંધણી અભિયાન અને રૂપરેખા યોજનાઓ શરૂ કરશે.