ગુજરાતના ખાનગી ટ્રાવેલ સંચાલકો ડિફોલ્ટર: બેંક ના હપ્તા ભરવા માટે બસો વેચી રહ્યા છે

કોરોનાને કારણે આમ પણ ગુજરાતનો ટ્રાવેલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં છે અને એમાં પણ કોવિડની બીજી લહેરે આ ઉદ્યોગની હાલત વધુ ખરાબ કરી નાખી છે. એક વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ખાનગી બસ ઓપરેટર્સ માટે ધંધો એકદમ ઘટી જવાથી બેન્કની લોન ચૂકવવા માટે બસો વેચવાનો વારો આવ્યો છે. ટૂર-ટ્રાવેલ-સંચાલકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં 3000થી વધુ બસો વેચાઈ ગઈ છે અને જો સ્થિતિ સુધરશે નહીં તો ખાસ કરીને નાના ઓપરેટર્સને ધંધો બંધ કરવો પડે એવા હાલ થઈ જશે.

ધંધામાં મંદી છે, પણ બેન્કોના હપતા તો ચાલુ જ છે
અખિલ ગુજરાત પ્રવાસી વાહનસંચાલક મહામંડલના ચેરમેન અને પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું હતું કે દરેક ટ્રાવેલ્સ-સંચાલકો સમયાંતરે ધંધાની જરૂરિયાત મુજબ નવી બસો ખરીદતા હોય છે. ખાસ કરીને પ્રીમિયમ બસો ખરીદવા માટે ઓપરેટર્સને લોન લેવી પડે છે. અત્યારે ધંધામાં મંદી છે અને સામે લોનના હપતા ચાલુ જ છે. આવક ઘટી ગઈ છે એટલે બસ વેચીને પણ વ્યાજના હપતા ભરીએ છીએ. આ જ કારણથી અમે પણ 50 જેટલી બસો વેચી છે અને જરૂર પડશે તો બીજી બસો પણ વેચીશું.

ચાલુ દિવસોમાં 40-45% જેવો ટ્રાફિક રહે છે
ઈગલ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનના વાઇસ-ચેરમેન જયેન્દ્ર બાવરિયાએ જણાવ્યું હતું કે અત્યારે ચાલુ દિવસોમાં 40-45% જેવો ટ્રાફિક રહે છે, જ્યારે શનિવાર-રવિવારના દિવસે થોડો વધીને 50-55% ટ્રાફિક રહે છે.

મુસાફરો ન મળવાથી ઘણી બસો ખાલી રહે છે.
મુસાફરો ન મળવાથી ઘણી બસો ખાલી રહે છે.

પ્રીમિયમ બસ માટે સાદી બસોનું વેચાણ
મેઘજી પટેલ જણાવે છે કે પ્રીમિયમ બસો માટે લોન લેવાતી હોય છે અને એની જાળવણી કરવી પણ જરૂરી છે, કેમ કે એમાંથી બિઝનેસ આવે છે. આ બસોને બચાવવા અને ખોટને ઘટાડવા માટે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં સાદી બસો (નોન-એસી)નું વેચાણ કરવામાં આવ્યું છે. ગુજરાતની સરખામણીએ આ બધાં રાજ્યોમાં લોકલ ટ્રાફિક વધુ હોય છે અને નાના ઓપરેટર્સ એને ચલાવે છે.

વપરાશમાં ન હોય એવી બસો પાછળ મહિને રુ. 1 લાખ જેવો ખર્ચ આવે
ગુજરાતમાં ટ્રાવેલ્સ પાસે 7000થી વધુ બસો છે અને એમાંથી હાલમાં 35-40% બસો જ ચાલી રહી છે. જ્યારે અન્ય બસો ટ્રાફિકના અભાવે તેમજ કોરોનાને કારણે સરકારે લગાવેલાં નિયંત્રણોને કારણે બંધ છે. આ બંધ બસોના પાર્કિંગ, જાળવણી, ડ્રાઈવરોના પગાર સહિતના ખર્ચા ગણીએ તો બસ ઓપરેટર્સને મહિને રૂ. 40,000-50,000 જેવો ખર્ચ થાય છે. આમાં ઈન્શ્યોરન્સ અને સરકારના ટેક્સીસ ઉમેરીએ તો આ ખર્ચ રૂ. 1 લાખથી વધુ થાય છે.

કોરોનાના ડરથી લોકો ટ્રાવેલિંગ ઓછું કરે છે, તેથી ઘણી બસો બંધ હાલતમાં પાર્ક છે.
કોરોનાના ડરથી લોકો ટ્રાવેલિંગ ઓછું કરે છે, તેથી ઘણી બસો બંધ હાલતમાં પાર્ક છે.

રાત્રિ કર્ફ્યૂથી લોંગ ડિસ્ટન્સ રૂટની બસો બંધ
જયેન્દ્ર બાવરિયાએ કહ્યું હતું કે રાજ્યની અંદર અને રાજ્યથી બહાર જતી લાંબા અંતરની બસો મોટા ભાગે રાત્રિના સમયે નીકળતી હોય છે. છેલ્લા અમુક મહિનાઓથી રાત્રિ કર્ફ્યૂ લાગેલા છે અને તેના સમયમાં ફેરફાર થતા રહે છે. હાલમાં 9 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડે છે એવી સ્થિતિમાં લોંગ ડિસ્ટન્સ રૂટ બંધ કરવા પડ્યા છે.

નાના ઓપરેટર્સની હાલત બધે ખરાબ છે
જયેન્દ્ર બાવરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત હોય કે ભારતનાં અન્ય રાજ્યો હોય, દરેક જગ્યાએ અમારી ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. ધંધા બંધ છે અને સામે લોનનું બર્ડન યથાવત્ છે, તેથી નાના ઓપરેટર્સની સ્થિતિ વધુ ખરાબ છે. હાલની સ્થિતિએ અંદાજે 70% જેવા ઓપરેટર્સ ડિફોલ્ટર્સ થવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *