ભારતમાં શુક્રવારે મોડી રાતે સોશિયલ મીડિયા એપ્સ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક ખોટકાઈ ગયા હતા. જોકે, મોડી રાત સુધી તેનું કારણ જાણી શકાયું નથી.
જોકે, ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં લાખો યુઝર્સ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરી શક્યા નહોતા. કંપનીએ આ સંદર્ભમાં મોડી રાત સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું. પરંતુ અમુક કલાક પછી ત્રણેય સેવા ફરી ચાલુ થઈ હતી.
વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક બંધ થઈ જતાં સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વીટર પર આ અંગે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું. અનેક યુઝર્સે ટ્વીટર પર ત્રણેય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપની મજાક ઉડાવતા મીમ્સ શૅર કર્યા હતા. વોટ્સએપ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકતું નહોતું. ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકના યુઝર્સે પણ આવી જ સમસ્યાઓનો સામનો કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ એપને ખોલતાં યુઝર્સ ફીડ રીફ્રેશ કરી શકતા નહોતા. તેમને ફીડ રીફ્રેશ થઈ શકતા ન હોવાનો મેસેજ મળતો હતો. વેબ સર્વિસીસના સ્ટેટસ ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડીટેક્ટરે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક ડાઉન હોવાનું દર્શાવ્યું હતું. આ વર્ષે ફેબુ્રઆરીમાં પણ આ સોશિયલ મીડિયા એપ્સ બંધ થઈ ગઈ હતી.