દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગઠબંધન તોડી નાખ્યું છે. બંને પક્ષોએ દિલ્હીમાં લોક્સભની ચૂંટણી ૪:૩ ની ફોર્મ્યુલાથી લડી હતી, જેમાં આપએ ૪ અને કોંગ્રેસે ૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમ છતાં બંને પક્ષ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શક્ય ન હતા. ત્યારબાદ આપએ ગઠબંધન તોડીને દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ આપ સામે મોરચો કરતી જોવા મળી રહી છે.
દિલ્હીના મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજે કોંગ્રેસને નમ્રતા બતાવવાની અપીલ કરી અને સલાહ આપતાં કહ્યું છે કે, ‘જો કોંગ્રેસ માત્ર ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓ વિરુદ્ધ જ મોરચો કરશે, તો ઈન્ડિયા એલાયન્સ કોઈ પણ મુદ્દે સર્વસંમતિ નહિ બનાવી શકે. તેમજ સંસદમાં કેન્દ્ર સરકાર સામેં કેવી રીતે કામ કરી શકીશું? કોંગ્રેસે ‘લક્ષ્મણ રેખા’ દોરવી જોઈએ, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે તેવા પક્ષોની વિરુદ્ધ છે.’
દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટને લઈને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહી છે. કોંગ્રેસે પણ તાજેતરમાં માટલા ફોડીને પ્રદર્શન કર્યું હતું. અગાઉ, લોકસભા ચૂંટણીના પરિણામો પછી, આપના ગોપાલ રાયે કહ્યું હતું કે તેમની પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે છે અને સંકેત આપ્યો હતો કે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી એકલા હાથે લડશે.