૧૮ માં લોકસભાની કાર્યવાહી સવારે ૧૧:૦૦ વાગ્યે શરૂ થશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના મંત્રીઓ સાંસદ તરીકે શપથ લેશે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તેમને શપથ લેવડાવશે.

૧૮મી લોકસભાનું પહેલું સત્ર આવતી કાલે એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. લોકસભાની કાર્યવાહી સવારે ૧૧:૦૦ વાગ્યે શરૂ થશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના મંત્રીઓ સાંસદ તરીકે શપથ લેશે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તેમને શપથ લેવડાવશે. આ પછી નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી શપથ લેશે. ત્યાર બાદ મંત્રી મંડળના અન્ય સભ્યો સાંસદ તરીકે શપથ લેશે.
સંસદના આ સત્રમાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ રહેશે નહીં
મોદી કેબિનેટના મંત્રીઓમાંથી ૫૮ લોકસભાના સભ્ય છે. કેન્દ્રીય મંત્રીપરિષદના ૧૩ સભ્યો રાજ્યસભાના સાંસદ છે અને એક મંત્રી રવનીત સિંહ બિટ્ટુ કોઈ પણ ગૃહના સભ્ય નથી. તે લુધિયાણાથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા પણ પરાજય થયો હતો. વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીઓ પછી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે રાજ્યવાર સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. સંસદના આ સત્રમાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ રહેશે નહીં.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી ૨૬ જૂને થશે
આ ફોર્મ્યુલા મુજબ આસામના સાંસદો પહેલા શપથ લેશે અને છેલ્લે પશ્ચિમ બંગાળના સાંસદો શપથ લેશે. સત્રના પ્રથમ દિવસે ૨૪ જૂને નવા ચૂંટાયેલા ૨૮૦ સાંસદો શપથ લેશે. બીજા દિવસે એટલે કે ૨૫ જૂને નવા ચૂંટાયેલા ૨૬૪ સાંસદો શપથ લેશે. આ પછી લોકસભા અધ્યક્ષની ચૂંટણી ૨૬ જૂને થશે.
પીએમ મોદી ૨ જુલાઈના રોજ લોકસભાને સંબોધિત
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ૨૭ જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ૨૮ જૂને સરકાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાનો પ્રયાસ કરશે. જોકે હાલમાં નીટનું પેપર લીક થવા પર વિપક્ષ હંગામો કરી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં પીએમ મોદી ૨ જુલાઈના રોજ લોકસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન ૩ જુલાઈએ રાજ્યસભામાં ભાષણ આપશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ૨૦ જૂને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઓડિશાના કટકથી ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ અધ્યક્ષની ચૂંટણી સુધી પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે સુરેશ કોડિકુન્નિલ, થાલીકોટ્ટાઇ રાજુતેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયની પણ નિમણૂક કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીજેપીને સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં સ્પીકરનું પદ મળવાની આશા છે, જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના કોઈપણ સહયોગી દળને આપી શકાય છે.
ઇન્ડિયા ગઠબંધને ડેપ્યુટી સ્પીકરના પદની માંગ કરી છે, જે પરંપરાગત રીતે હંમેશા વિપક્ષને જાય છે. જોકે 17મી લોકસભામાં કોઇ ડેપ્યુટી સ્પીકર ન હતા. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા બ્લોક બંનેએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી.