અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટી-૨૦ વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી. અફઘાનિસ્તાનની જીતને કારણે સુપર ૮ માં ગ્રુપ-૧ ના સમીકરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. આ ગૃપથી ચારેય ટીમો અત્યારે પણ સેમીફાઈનલની રેસમાં છે.
અફઘાનિસ્તાને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ઐતિહાસિક પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને ૨૧ રનોથી હરાવી દીધું. ૨૩ જૂન રવિવારે કિંગ્સટાઉનનાં એર્નોસ વેલ ગ્રાઉન્ડ પર રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે ૧૪૯ રન બનાવવાના હતા, પરંતુ તેની આખી ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૨૭ રન પર જ સમેટાઈ ગઈ.
ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતને કારણે સુપર ૮ માં ગ્રુપ-૧ નું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ ગ્રુપની ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. જો કે આ ગ્રુપમાંથી માત્ર બે ટીમોને જ સેમીફાઈનલમાં જવાની તક મળશે. જો ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હોત તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા હોત. પરંતુ આ થઈ શક્યું નહીં. અફઘાનિસ્તાનની જીતને કારણે બાંગ્લાદેશને પણ સંજીવની મળી છે.
ભારત – ટીમ ઇન્ડિયા માટે સમીકરણ એકદમ સરળ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા સામેની હારની તેના પર કોઈ અસર નહીં પડે, જો તે મોટા માર્જિનથી ન હોય. ભારતનો નેટ રન રેટ હાલમાં +૨.૪૨૫ છે. જો તે ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મેળવે છે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે છે, તો જ તેની બહાર થવાની સંભાવના રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.
ઓસ્ટ્રેલિયા – અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે તેણે ૨૪મી જૂને સેન્ટ લુસિયામાં રમાનાર મેચમાં ભારતને હરાવવું પડશે. તેને બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને આશા રાખવી પડશે કે બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે. ઓસ્ટ્રેલિયાનો વર્તમાન નેટ રન-રેટ +૦.૨૨૩ છે. જો તે ભારત સામે હારી જશે તો તેને બાંગ્લાદેશની જરૂર પડશે. પછી જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ૩ ટીમોના ૨-૨ પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.
અફઘાનિસ્તાન – અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને હરાવવું પડશે. આ ઉપરાંત ભારતે ઓસ્ટ્રેલિયા સામે પણ જીતની અપેક્ષા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારી જાય છે, તો અપેક્ષા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા માર્જિનથી હારી જાય. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ હાલમાં -૦.૬૫૦ છે. જો ઓસ્ટ્રેલિયા જીતી જાય છે, તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.
બાંગ્લાદેશ – બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે ચમત્કારની જરૂર છે. જોકે ટેકનિકલી તે હજુ પણ રેસમાં છે. બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. સાથે જ આશા રાખવી પડશે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પણ હરાવી નાખે. હવે બાંગ્લાદેશ કોઈ પણ સંજોગોમાં ભારતથી આગળ નીકળી શકે તેમ નથી. બાંગ્લાદેશનો નેટ રન રેટ હાલમાં -૨.૪૮૯ છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના સુપર-૮ માં ૪ ટીમોના બે ગ્રુપ છે. જો આ બંને ગ્રુપમાંથી જ ટોપ પર રહેવા પર ૨-૨ ટીમોને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગ્રુપ-૧ માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઇન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગ્રુપ-૨ માં રાખવામાં આવ્યા છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં બાકીની મેચોનું શેડ્યૂલ (ભારતીય સમય અનુસાર)
- ૨૩ જૂન – યુએસએ vs ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાતે ૦૮:૦૦ વાગે
- ૨૪ જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs સાઉથ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે ૦૬:૦૦ વાગ્યે
- ૨૪ જૂન – ઓસ્ટ્રેલિયા vs ભારત, સેન્ટ લુસિયા, રાતે ૦૮:૦૦ વાગે
- ૨૫ જૂન – અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે ૦૬:૦૦ વાગ્યે
- ૨૭ જૂન – સેમિફાઇનલ ૧, ગયાના, સવારે ૦૬:૦૦ વાગે
- ૨૭ જૂન – સેમિફાઇનલ ૨, ત્રિનિદાદ, રાત્રે ૦૮:૦૦ વાગ્યે
- ૨૯ જૂન – ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે ૦૮:૦૦ વાગ્યે