ચોમાસામાં કન્જેક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવી જેવી બીમારીથી આંખોને બચાવવી જોઇએ. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો આંખોની દ્રષ્ટિને નુકસાન થઇ શકે છે.

ચોમાસામાં વરસાદ સાથે બીમારીની સીઝન શરૂ થાય છે. ચોમાસામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે, ઘણી વાયરલ બીમારી થવાનું જોખમ રહે છે. ચોમસામાં આંખ આવવી સામાન્ય ઘટના છે, જેને મેડિકલ ભાષામાં કન્જેક્ટિવાઇટિસ કહેવાય છે. કન્જેક્ટિવાઇટિસ આંખની ચેપી બીમારી છે. આંખ આવે ત્યારે વ્યક્તિને આંખોમાં બળતરા, દુખાવો અને લાલાશ જેવી સમસ્યા થાય છે. જો કે આ સમસ્યાનું મુખ્ય કારણ એલર્જીક રિએક્શન છે, પરંતુ તે સિઝનલ બેક્ટેરિયાના ચેપને કારણે પણ થઈ શકે છે. બેક્ટેરિયાના કારણે તેનો ચેપ સંક્રમિત વ્યક્તિ માંથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
આ ચેપ એક આંખમાં શરૂ થાય છે, પરંતુ થોડા સમય પછી તે બીજી આંખમાં પણ ફેલાય છે. માટે આ ચોમાસાની સીઝનમાં આંખોને આવા ઇન્ફેક્શનથી બચાવવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તેમણે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
કન્જેક્ટિવાઇટિસ બીમારીના લક્ષણ
કન્જેક્ટિવાઇટિસ છે કે તે જાણવાનો સૌથી પહેલો સંકેત છે – આંખ લાલ થવી. આંખમાં બળતરા અને પાણી આવવા લાગે છે. પાંપણોના ખૂણા પર પીળું અને ચીકણું પ્રવાહી જમા થવા લાગે છે, જે શરીરની સંરક્ષણ પ્રણાલીની પ્રતિક્રિયા હોય છે. પરંતુ તેનાથી વધુ રાહત મળતી નથી. આંખોમાં ખંજળાવ આવવી અને સોજો એ તેના પ્રાથમિક લક્ષણો છે. આ ઉપરાંત પાણી આપવાની સાથે ખંજવાળ પણ શરૂ થઈ જાય છે. એક ભય એ પણ છે કે જો ચેપ વધુ તીવ્ર થાય, તો પછી આંખની દૃષ્ટિને નુકસાન થઈ શકે છે.
આંખ આવે ત્યારે શું સાવધાની રાખવી?
બીમારીની સારવાર કરતા બચાવ શ્રેષ્ઠ પગલું છે. જો તમે કોઈ પણ કારણસર કન્જેક્ટિવાઇટિસ સંક્રમણનો ભોગ બન્યા છો તો વારંવાર આંખોને અડવાનું ટાળો અને થોડા થોડા સમયના અંતરે આંખોને સાફ પાણીથી ધોતા રહો. આંખો લૂછવા માટે ટિશ્યુ પેપર અથવા સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ફરીથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. થોડા સમય માટે ટીવી અને મોબાઇલથી અંતર રાખવું અને સનગ્લાસ પહેરવા એ પણ એક ઉપાય છે.
કન્જેક્ટિવાઇટિસ ફ્લૂની બીમારી મોટભાગે બે-ત્રણ દિવસથી એક અઠવાડિયામાં પોતાની મેળે સારા થઈ જાય છે, પરંતુ જો સમસ્યા વધી જાય તો ઇન્ફેક્શનમાં આવ્યા પછી ડૉક્ટરની સલાહથી ઍન્ટિબેક્ટેરિયલ ડ્રોપનો ઉપયોગ કરી શકાય છે. આંખ અને હાથને સ્વચ્છ અને ઠંડા પાણીથી સાફ કરવા જોઈએ. આંખનો બરફ વડે શેક કરવાથી કરવાથી બળતરા અને પીડામાં રાહત મળે છે. આંખોની તંદુરસ્તી માટે સારા આહારની પસંદગી કરવી જોઈએ, જેમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.