શું ટીમ ઈન્ડિયા આજે વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો બદલો લેશે… ??
આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આજે સુપર-૮માં પોતાના અંતિમ મુકાબલામાં ઑસ્ટે્રલિયાને હરાવીને સેમિફાઈનલની ટિકિટ મેળવવા મેદાને ઉતરશે. બીજી બાજુ અફઘાન સામે હાર્યા બાદ ઑસ્ટે્રલિયા માટે આ મુકાબલો `કરો યા મરો’ સમાન થઈ ગયો છે. ભારતીય ટીમ સળંગ ત્રીજી જીત મેળવી ટોચ પર રહીને સેમિફાઈનલમાં પ્રવેશવા મહેનત કરશે. જો ભારત આ મુકાબલો જીતી જાય છે તો પછી ઑસ્ટે્રલિયા માટે સેમિફાઈનલમાં પહોંચવું અઘરું થઈ જશે.
વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો થશે પૂર્ણ !!
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને આ મેચ જીતીને ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માંગશે. ગયા વર્ષે ૧૯ નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાનું ત્રીજી વખત વનડે વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. હવે રોહિત પાસે એ હારનો બદલો લેવાની તક છે.
આ મેચમાં તમામની નજર ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. કોહલી બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં ફોર્મમાં જોવા મળ્યો હતો અને હવે તે ઓસ્ટ્રેલિયા સામે મોટી ઇનિંગ્સ રમવા માંગશે. કેપ્ટન રોહિત શર્મા પણ ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે. શિવમ દુબેએ છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, જે ભારત માટે સારો સંકેત હતો.
બુમરાહ-કુલદીપ ફરી હલચલ મચાવશે!
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પણ ફરી એકવાર બેટથી પોતાનો જલવો બતાવવા માંગશે. તે જ સમયે, ઝડપી બોલર જસપ્રિત બુમરાહના શાનદાર ફોર્મ અને સ્પિનર કુલદીપ યાદવની વાપસીને કારણે ભારતીય બોલિંગ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બંને બોલર મહત્વની ભૂમિકા ભજવશે. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ બોલ સાથે શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
બીજી તરફ અફઘાનિસ્તાન સામેની હાર બાદ કાંગારૂ ટીમ બેકફૂટ પર આવી ગઈ છે. જોકે ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર સારા ફોર્મમાં છે. મિડલ ઓર્ડરમાં માર્કસ સ્ટોઇનિસે પણ રન બનાવ્યા છે, પરંતુ મેક્સવેલ અને મિશેલ માર્શનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. ઓસ્ટ્રેલિયાનું બોલિંગ યુનિટ મજબૂત દેખાય છે. પેટ કમિન્સે સતત બે મેચમાં હેટ્રિક લીધી છે, જ્યારે એડમ ઝમ્પાની સ્પિન બોલિંગ વિરોધી બેટ્સમેનો માટે સમસ્યારૂપ રહી છે.
જો જોવામાં આવે તો ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ ૩૧ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે ૧૯ માં જીત મેળવી છે. કાંગારૂ ટીમ ૧૧ મેચમાં સફળ રહી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી. ટી-૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ બેમાં જીત મેળવી છે.
ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ભારત VS ઓસ્ટ્રેલિયા
કુલ મેચ: ૩૧
ભારત જીત્યું: ૧૯
ઓસ્ટ્રેલિયા જીત્યું: ૧૧
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત VS ઓસ્ટ્રેલિયા
કુલ મેચો: ૫
ભારત જીત્યું: ૩
ઓસ્ટ્રેલિયા જીત્યું: ૨
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિંધવ. .
ઓસ્ટ્રેલિયન ટીમઃ મિશેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા .