દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી દારૂ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. CBIએ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી ના વડાની પૂછપરછ કરવા માટે તેમની કસ્ટડીની માંગણી કરી હતી.

CBI અધિકારીઓએ મંગળવારે (૨૫ જૂન) સાંજે તિહાર જેલમાં કેજરીવાલની પૂછપરછ પણ કરી હતી.
કેજરીવાર ઇડીની ન્યાયિક કસ્ટડીમાં હતા, તેથી તેમની ઔપચારિક ધરપકડ કોર્ટ સમક્ષ થઇ હતી અને CBIને તેમની કસ્ટડી મળી છે.
હવે દિલ્હીના મુખ્ય પ્રધાન આજે જેલમાંથી બહાર નીકળી શકશે નહીં, ભલે સુપ્રીમ કોર્ટ તેમના જામીન પરના દિલ્હી હાઈકોર્ટના સ્ટેને રદ કરે.
કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેમની એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અરજી દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાને દિલ્હી હાઈકોર્ટના જામીનના આદેશ પર સ્ટેને પડકાર્યો છે.
દિલ્હીની એક નીચલી અદાલતે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, જેના પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. EDએ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી બાદ કોર્ટે જામીન પર સ્ટે આપવાનો આદેશ આપ્યો હતો.
આમ આદમી પાર્ટીએ આ ઘટનાક્રમ પર સખત પ્રતિક્રિયા આપતા CBI પર અરવિંદ કેજરીવાલ સામે “બનાવટી કેસ નોંધવાનું કાવતરું” કરવાનો આરોપ મૂક્યો હતો.
૨૦ જૂનના રોજ, દિલ્હીની એક કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જોકે, EDએ જામીનના આદેશને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, દિલ્હી હાઇ કોર્ટે તેમનો આદેશ ૨૫ જૂન પર અનામત રાખ્યો હતો.
જોકે, આની સામે કેજરીવાલની ટીમ સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાની સલાહ આપી હતી.