જો વરસાદ પડે અને સેમી ફાઈનલ મેચ ધોવાઈ જાય તો ? જો મેચ રદ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે ?
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-૮ માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ છે કે તેણે સુપર-8ના તેના ગ્રુપ-૧ માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ ૨૭ જૂને ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમના ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો વરસાદ પડે અને સેમી ફાઈનલ મેચ ધોવાઈ જાય તો? શું આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મેચ રદ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે? નોંધનિય છે કે, આ વર્લ્ડ કપમાં એક સસ્પેન્સ છે. એટલે કે બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે ૪ કલાક ૧૦ મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.
જો મેચ રદ કરવી પડશે તો શું આવશે પરિણામ ?
૨૭ જૂને મેચના દિવસે ગયાનામાં વરસાદની ઉચ્ચ સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ વરસાદના કારણે ધોવાઇ શકે છે. આવી સ્થિતિમાં પહેલા ૪ કલાક ૧૦ મિનિટના વધારાના સમયમાં મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આમ નહીં થાય તો જે ટીમ તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હશે તેને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરશે. એટલે કે માત્ર ભારતને જ ફાયદો થશે. ભારતીય ટીમે સુપર-૮ ના તેના ગ્રુપ-૧ માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. જ્યારે ગ્રુપ-૨ માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે.