સંસદમાં રાષ્ટ્રપતિએ આપ્યા આ સંકેત.
અમદાવાદથી મુંબઈને જોડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન, સરકારે જાહેરાત કરી છે કે તે સમગ્ર દેશમાં તેની સંભાવનાઓ પર વિચાર કરશે અને તેના માટે એક અભ્યાસ હાથ ધરશે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા આ માહિતી આપી હતી.
તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે સરકારે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ફિઝિબિલિટી સ્ટડી હેઠળ એ જોવામાં આવશે કે બુલેટ ટ્રેન ચલાવવા માટે કયો રૂટ હોઈ શકે. કેટલી જમીનની જરૂર પડશે? ટ્રેક કેવી રીતે બાંધવામાં આવશે અને કેટલો ખર્ચ થશે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ‘સરકાર આધુનિક માપદંડો પર કામ કરી રહી છે જેથી કરીને ભારત વિકસિત દેશોની સમકક્ષ ઉભરી શકે.’
રાષ્ટ્રપતિએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ વચ્ચે ‘હાઈ-સ્પીડ રેલ ઈકોસિસ્ટમ’નું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો ૫૦૮ કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ કોરિડોર દેશનો પ્રથમ ‘કોરિડોર’ છે.
બુલેટ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને સુરત અને વડોદરા ખાતે સ્ટોપેજ સાથે માત્ર બે કલાક અને સાત મિનિટમાં આખું અંતર કાપશે. આ પ્રોજેક્ટનું નિર્માણ ‘નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત અને બીલીમોરા વચ્ચે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ૧૦ વર્ષમાં મેટ્રોની સુવિધા દેશના ૨૧ શહેરોમાં પહોંચી છે. સરકારે ૧૦ વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ ગામડાઓમાં ૩ લાખ ૮૦ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓ બનાવ્યા છે.
મુર્મુએ કહ્યું કે, ‘આજે ભારતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે બનાવવાની ઝડપ બમણાથી વધી છે. હવે કોલકાતા અને દિલ્હી સહિત આવા અનેક રૂટ પર ટ્રેનો દોડાવવાની યોજના છે, જેથી દેશના મહત્વના શહેરોની કનેક્ટિવિટી મજબૂત થઈ શકે.