ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં આમને-સામને ટકરાશે. શનિવારે બંને વચ્ચે ટક્કર બારબાડોસમાં બ્રિજટાઉનના કિંગ્સટન ઓવલ સ્ટેડિયમ ખાતે થશે. બંને ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ કોઈ પણ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં પહેલી વાર પહોંચી છે જ્યારે ભારતીય ટીમ ત્રીજી વાર ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે.
બંને ટીમો ઇતિહાસ બનાવવાથી એક મૅચની જીતથી દૂર છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૧૦ વર્ષોથી ભારતીય ટીમ આઈસીસી ટુર્નામેન્ટમાં ચોકર્સ બનતી આવી છે. જોકે જાણકારો દક્ષિણ આફ્રિકાને પણ ચોકર્સની ટીમથી ઓળખે છે, કારણ કે તે હંમેશા સેમિફાઇનલ સુધી પહોંચીને ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાય છે.
ભારતીય ટીમે છેલ્લાં ૧૦ વર્ષોમાં ૧૦ આઈસીસી ટુર્નામેન્ટ રમી છે અને તમામમાં તે ટ્રૉફીથી વંચિત રહી છે. છેલ્લે ભારતે ૨૦૧૩માં આઈસીસી ટ્રૉફી જીતી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ ભારતે ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી હતી. ભારતે આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડને તેના જ હોમગ્રાઉન્ડમાં હરાવ્યું હતું. ત્યાર પછી ભારતે એક પણ આઈસીસી ટ્રૉફી નથી જીતી.
૨૦૧૩ બાદ ભારતીય ટીમે ત્રણેય ફોર્મેટમાં ચાર આઈસીસી ટુર્નામેન્ટમાં ૨૦૨૩ સુધી દસ વાર ભાગ લીધો છે. આ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ ભારતની ૧૧મી ટુર્નામેન્ટ છે. ભારતીય ટીમે આ દસ પૈકી ૯ વખત ટુર્નામેન્ટમાં નોકઆઉટ સ્ટેજમાં ક્વૉલિફાય કર્યું છે જ્યારે કે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં તે સેમિફાઇનલમાં પણ એન્ટ્રી નહોતી મેળવી શકી.
છેલ્લી ૧૦ આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતે પાંચ ફાઇનલ મૅચ રમી છે પરંતુ ટીમ ટ્રૉફી મેળવવાથી વંચિત રહી ગઈ છે.
વર્ષ ૨૦૦૭ બાદ ભારત ટી૨૦ વર્લ્ડકપની કોઈ ટ્રૉફી જીતી શક્યું નથી. ભારત છેલ્લી વાર ટી૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં વર્ષ ૨૦૧૪માં પહોંચ્યું હતું અને હારી ગયું હતું.
આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન

૨૦૧૪- ટી૨૦ વર્લ્ડકપમાં ફાઇનલમાં હાર
૨૦૧૫- ક્રિકેટ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર
૨૦૧૬- ટી૨૦ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર
૨૦૧૭- ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ફાઇનલમાં હાર
૨૦૧૯- ક્રિકેટ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર
૨૦૨૧- વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ફાઇનલમાં હાર
૨૦૨૧- ટી૨૦ વર્લ્ડકપમાં ગ્રૂપ સ્ટેજમાં જ બહાર
૨૦૨૨- ટી વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર
૨૦૨૩- વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હાર
૨૦૧૩- ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં હાર
જો વરસાદ પડે તો શું?

ભારત અને દક્ષિણ આફ્રિકાની આ ફાઇનલ મૅચમાં વરસાદની આગાહી છે. જો ફાઇનલ મૅચમાં વરસાદ કે અન્ય કારણોને લઈને અવરોધ આવે તો તે જ દિવસે એટલે કે શનિવારે જ મૅચને પૂર્ણ કરવા માટે ૧૯૦ મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે.
મૅચનું પરિણામ ત્યારે જ નક્કી થઈ શકે જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી ૧૦-૧૦ ઓવર રમે. જો કોઈ પણ ટીમ ૧૦ ઓવર નહીં રમી શકે તો મૅચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરી દેવાશે.
આઈસીસીએ ૩૦ જૂનનો દિવસ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે.
જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ આવે તો અથવા ટાઈની સ્થિતિમાં આઈસીસીના નિયમ પ્રમાણે સુપર ઓવર કરાવવામાં આવશે. જો સુપર ઓવર પણ નહીં કરાવી શકાય તો ફાઇનલમાં પ્રવેશનારી બંને ટીમને સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવશે. જોકે ટી૨૦ વર્લ્ડકપના ૧૭ વર્ષમાં ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ વખત કોઈ ટીમ સંયુક્ત વિજેતા ઘોષિત થઈ નથી.
કોહલીનું ફૉર્મ ટીમ ઇન્ડિયા માટે પરેશાની

ભલે ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં અજેય રહી હોય પરંતુ ભારતના સ્ટાર બેટર્સ વિરાટ કોહલીનું ફૉર્મ ચિંતાજનક છે. તેમણે સાત મૅચમાં માત્ર ૭૫ રન જ બનાવ્યા છે.
સામે દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડા ફૉર્મમાં છે. તેઓ ૮ મૅચમાં ૧૨ વિકેટો ઝડપી ચૂક્યા છે અને તે કોહલીને પરેશાન કરી શકે છે. રબાડાએ અત્યાર સુધીમાં કોહલીને ૧૨ મૅચમાં ૪ વખત આઉટ કર્યા છે. એટલે જાણકારોના મત પ્રમાણે કોહલીએ રબાડા સામે સાવધાન રહેવાની જરૂર છે.
જોકે રોહિત શર્માને તેની ચિંતા નથી. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, “તેઓ એક સક્ષમ ખેલાડી છે. આ કોઈ પણ ખેલાડી સાથે થઈ શકે છે. અમે તેની ક્લાસ ગેઇમને જાણીએ છીએ. જ્યારે કોઈ ખેલાડી ૧૫ વર્ષથી રમી રહ્યો હોય ત્યારે ફૉર્મ કોઈ સમસ્યા નથી હોતી. અમે તમામ મોટી રમતમાં તેમના યોગદાનને મહત્ત્વ આપીએ છીએ. તેમણે કદાચ ફાઇનલ માટે પોતાને બચાવી રાખ્યા છે.”