ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ સમયે નાસભાગ મચી જતા મહિલા, બાળકો સહિત ૩૫ થી વધુ લોકોના મોત થયા છે, તો ૫૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત, રતિભાનપુરમાં થયો છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક મોટી ઘટના સામે આવી છે. હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ નાસભાગમાં લગભગ ૩૫ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યાં નાસભાગ થઈ ત્યાં સત્સંગ ચાલી રહ્યો હતો. આ ઘટના હાથરસના રતિભાનપુર વિસ્તારની છે. કહેવાય છે કે ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, નાસભાગમાં ઘણી મહિલાઓ અને બાળકો લકોના પગ નીચે ચગદાયા હતા, જેના કારણે તેમના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અકસ્માતની નોંધ લીધી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કર્યું કે, “હાથરસ જિલ્લામાં કમનસીબ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં માન. મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી જી, સંદીપ સિંહ જી ઘટના સ્થળ માટે રવાના થયા છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ADG, આગ્રા અને કમિશનર, અલીગઢના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.
ઇટાહના એસએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ ઘટના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ શહેરમાં બની હતી. તેણે પોતે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૭ મૃતદેહો ઇટાહ હોસ્પિટલમાં આવી છે, જેમાંથી ૨૩ મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષ છે. ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સત્સંગ પૂરો થતાં જ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા અને આ દરમિયાન નાસભાગ મચી ગઈ. નાસભાગ દરમિયાન લોકો એકબીજાની સામે પણ જોતા ન હતા અને એકબીજા પર કૂદતા ભાગતા રહ્યા હતા. નાસભાગ થતાં જ ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ હતી.