પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે મને તેમની ખુશીનું કારણ સમજાતું નથી. શું હારની હેટ્રિક પર આ ખુશી છે, શું નર્વસ ૯૯ નો શિકાર થવા પર ખુશ છે, શું આ ખુશી વધુ એક અસફળ લોન્ચિંગની છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાના હાથમાં સંવિધાન સાથે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર અનામત અને દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા એસસી, એસટી, ઓબીસી વિરોધી છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે મને તેમની ખુશીનું કારણ સમજાતું નથી
રાજ્યસભામાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામોથી કેપિટલ માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દુનિયામાં ઉત્સાહનો માહોલ છે પરંતુ આ દરમિયાન આપણા કોંગ્રેસના લોકો પણ ખુશીમાં મગ્ન છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે મને તેમની ખુશીનું કારણ સમજાતું નથી. શું હારની હેટ્રિક પર આ ખુશી છે, શું નર્વસ ૯૯ નો શિકાર થવા પર ખુશ છે, શું આ ખુશી વધુ એક અસફળ લોન્ચિંગની છે.
તેમણે વધુમાં કહ્યું કે હું જોઈ રહ્યો હતો કે ખડગેજી પણ ઉત્સાહ-ઉમંગથી ભરેલા હતા. ખડગેજીએ તેમની પાર્ટીની એક મોટી સેવા કરી છે. કારણ કે હાર માટે જેને દોષ દેવો જોઈતો હતો તેમને તેણે બચાવી લીધા અને પોતે દીવાલ બનીને ઊભા રહી ગયા. પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસનું વલણ એવું રહ્યું છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દલિતો, પછાતોને માર ઝેલવો પડે છે અને તે પરિવાર છટકી જાય છે. આ વખતે પણ આ જ નજર આવે છે.
હારવા માટે કોંગ્રેસ દલિતોને આગળ કરે છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજકાલ તમે લોકસભામાં જોયું હશે, સ્પીકરની ચૂંટણીનો મુદ્દો બન્યો, તેમાં પણ હાર થઈ પરંતુ આગળ કોને કર્યા એક દલિતને. તેઓ જાણતા હતા કે તેઓ પરાજિત થવાના છે, પરંતુ તેઓએ તેમને આગળ કર્યા હતા.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની હતી. તેમાં પણ તેમણે સુશીલ કુમાર શિંદેજીને આગળ કર્યા. દલિતો મરે છે તો તેમનું કશું જ જવાનું નથી. ૨૦૧૭માં હાર નિશ્ચિત હતી તો તેમણે મીરા કુમારને લડાવ્યા, તેમને હારનો સામનો કરવો પડ્યો.
‘કોંગ્રેસ દલિત અને ઓબીસી વિરોધી માનસિકતા ધરાવે છે’
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં એસસી, એસટી, ઓબીસી વિરોધી માનસિકતા છે, જેના કારણે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કરતા રહ્યા. આ માનસિકતાને કારણે તેમણે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન અને વિરોધ કરવામાં કોઇ કસર છોડી ન હતી. એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે કોઇ કરી શકે તેમ નથી.