ચેમ્પિયન ટીમની વિજય પરેડ સાંજે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે. ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ટીમ ઇન્ડિયાની વિજય પરેડ મુંબઈમાં શરૂ થઇ ગઇ છે. ચેમ્પિયન ટીમની વિજય પરેડ મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે. ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા છે.
આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા નજરે પડે છે.
ટી ૨૦ વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી
આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી ૨૦ વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમયે એક પ્રસંગ એવો પણ આવ્યો કે પીએમ મોદીની કોઈ વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા હતા.
રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કેક કાપી હતી
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. આ પછી BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સાથે કેક કાપી હતી. આ પછી રોહિત શર્મા ચાહકોને ટ્રોફી બતાવી હતી અને ટીમ બસમાં બેસી ગયો હતો.