૧૦ કરોડ વૃક્ષોની વાવણી સામે ૧૦ લાખનો જ ઉછેર.
ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ૧૦ કરોડ વૃક્ષો રોપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. પરંતુ માવજતના અભાવે ૯૦ લાખ રોપા કરમાઈ જાય છે અને માત્ર ૧૦ લાખ વૃક્ષોનો ઉછેર થાય છે. એટલું જ નહીં વિકાસના નામે દર વર્ષે સરેરાશ અંદાજે એક લાખથી વધુ વૃક્ષોનો સોંથ વાળી દેવામાં આવે છે.
રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના ૩૩ જિલ્લામાં વૃક્ષા રોપણ મોટી માત્રામાં થાય છે. પરંતુ આ ઝૂંબેશ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ તેની માવજતમાં મોટી ખામી છે. છેલ્લા ૧૦ વર્ષમાં સામાજિક વનીકરણના નામે વન મહોત્સવ તેમજ અન્ય પ્રસંગોએ સરકાર દ્વારા દર વર્ષે ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, એ હિસાબે જોઇએ તો રાજ્યમાં ૧૦૦ કરોડ નવા વૃક્ષો હોવા જોઈએ. પરંતુ માવજતના અભાર્વે મોટાભાગના રોપાઓ કરમાઈ જતાં હોય છે.’
રાજ્યમાં કોઈ ઠેકાણે એક વૃક્ષ કાપવું પ્રમાણ હોય તો સામે પાંચ વૃક્ષો જ્યાં સુધી રોપવામાં ન આવે ત્યાં સુધી વૃક્ષ કાપવાની મંજૂરી મળતી નહીં હોવાનો સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટમાં ૧૧ વર્ષ પહેલાં સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ એક્ટનું પાલન ખુદ સરકારના અધિકારીઓ જ કરતા નથી. બે શહેરોને જોડતો એક હાઈવે બનાવવો હોય તો સરકાર બે હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખે છે.
વન પ્રમાણે વિભાગની સત્તાવાર માહિતી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૮ લાખ વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં વન વિભાગની અલગ અલગ યોજનાઓમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પરંતુ ૮૦ % ટ્રીગાર્ડ ખાલી પડ્યાં છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પૂર્વોત્તર રાજ્ય આસામમાં જંગલોનું પ્રમાણ ઘટી જતાં ગયા વર્ષે સરકારે વૃક્ષ ઉગાડવા ૧૦૦ રૂપિયા અને તેનું જતન કરવા ૧૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કર્યા પછી ગ્રીનકવરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગુજરાતે પણ લોકો માટે આવી કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરી ગ્રીન કવરમાં વધારો કરવો જોઈએ.
ગુજરાતની વસતી સાત કરોડ છે. ચોમાસામાં પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ રોપીને તેનું જતન કરે તો ગુજરાતની ગ્રીનરી પાછી આવી શકે. જો કે તેના માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ. આ વર્ષે વન વિભાગે ત્રણ નવી યોજનાઓ જાહેર કરી છે. જે પૈકી હરીત વન પથમાં ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે પંચરત્ન ગ્રામ વાટીકામાં ૧૦૦૦ ગામોમાં પ્રતિ ગામ ૫૦ રોપા અને પંચરત્ન વાવેતરમાં ૬૫ સરોવરની ફરતે ટ્રીગાર્ડ સાથે સરોવરદીઠ ૨૦૦ રોપાની યોજના બનાવી છે. પરંતુ ભૂતકાળમાં ટ્રીગાર્ડ સાથેના રોપામાં માવજતના અભાવે વૃક્ષો જીવિત રહી શક્યા નથી. સરકારે માવજત અને જાળવણી માટે ઈન્સેન્ટીવ આપવા જોઈએ.