ભાજપના ગણાતા બે રાજ્યોમાં જ પક્ષની મુશ્કેલી વધી.
ઉત્તર પ્રદેશમાં મોટા ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં મોરબી બ્રિજ કાંડ, વડોદરા હરણી કાંડ અને રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ સહિત ઘણાં મુદ્દાઓના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની મુશ્કેલી વધવાની સાથે ભાજપમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે. રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ઘણા સમયથી ફેરફારો થયા નથી. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનો પડકાર ફેંક્યો છે, તેથી આ તમામ બાબતોનો સામનો કરવા માટે ભાજપ ૧૫ ઓગસ્ટ સુધીમાં ઘણા નવા ફેરફારો કરી શકે છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વખતે પડકાર ફેંક્યો હતો કે, ૨૦૨૭ માં ગુજરાતમાં ભાજપને હરાવીને રહીશું. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૦ બેઠકો છે, જેમાંથી ભાજપનું સંખ્યાબળ ૧૬૧ નું છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય નેતૃત્વ સંગઠનની સાથે સરકારમાં પણ ફેરફાર કરી શકે છે. રાજ્યના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ હવે કેન્દ્રમાં મંત્રી છે. તેમણે પહેલા એક પદ અને એક વ્યક્તિના સિદ્ધાંત હેઠળ જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. આ ઉપરાંત સંગઠનમાં ઘણા મોટા પદ પણ ખાલી પડ્યા છે. કેબિનેટમાં ફેરબદલ થવાના કારણે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા જેવા મોટા નેતાઓને મંત્રીપદ મળી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ કોંગ્રેસમાંથી આવેલા કેટલા નેતાઓને મંત્રી બનાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બરમાં સીએમ પદ પર ત્રણ વર્ષ પુરા કરશે. ભાજપે વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ૧૫૬ બેઠકો જીતી હતી. આમ તો તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમના પર કોઈપણ પ્રકારનો આરોપ લાગ્યો નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં બનેલી ત્રણ મોટી ઘટનાઓએ તેમની સામે અનેક પડકાર ઉભા કરી દીધા છે.
રાજ્યમાં ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ગુજરાતના વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં ૧૪ વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત ૧૬ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૩૦ ઓક્ટોબરના રોજ મોરબી બ્રિજ દુર્ઘટના માં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ ૨૫ મે-૨૦૨૪ના રોજ રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ લાગવાને કારણે ૨ બાળકો સહિત ૩૫ લોકોના મોત થઈ ગયા હતા. આ ત્રણેય ઘટનાઓમાં સ્થાનિક તંત્ર સામે આંગળી ચિંધાવાની સાથે મુખ્યમંત્રીના નેતૃત્વ સામે પણ સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં મજબૂત સરકાર હોવા છતાં પ્રજા વચ્ચે વહિવટી તંત્રની નબળી કામગીરી જોવા મળી છે અને લોકોએ પણ તંત્રની ટીકા કરવાની સાથે વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં સંભાવના છે કે, ભાજપ સંગઠનની સાથે સરકારમાં પણ મોટા ફેરફાર કરી શકે છે અને કેટલાક મંત્રીઓની છુટ્ટી પણ કરી શકે છે.