૫ કદાવર નેતાઓની બોલાવી બેઠક.
૨૦-૨૧ મીએ સંયુક્ત મહાસચિવ મધ્યસ્થી કરશે, ટોચના પાંચ નેતાઓ – યોગી, મૌર્ય, ચૌધરી, બ્રજેશ પાઠક, ધર્મપાલ સિંહને લખનઉમાં રહેવા તાકીદ.
ઉત્તર પ્રદેશ ભાજપમાં ભડકો થયો છે. સંગઠન અને સરકાર સામ-સામે આવી ગયા પછી સીએમ યોગી અને કેશવ પ્રસાદ મૌર્યના સમર્થકો એકબીજા પર આરોપો મૂકી રહ્યા છે. ઘર્ષણની સ્થિતિ વચ્ચે સંઘે યુપી ભાજપના ટોચના પાંચ નેતાઓ વચ્ચે સમાધાન કરવાનું મિશન હાથ ધર્યું છે.
ભાજપ-સંઘની આ બેઠકમાં ત્રણ મહત્ત્વના એજન્ડા છે. લોકસભાની ચૂંટણીમાં પરાજય થવાના કારણોની ચર્ચા. આંતરિક ઘર્ષણની સ્થિતિ ટાળવા માટે સરકાર અને સંગઠનના નેતાઓની આગામી દિવસોમાં ભૂમિકા અને ૧૦ બેઠકોની પેટા ચૂંટણી. ભાજપે પેટા ચૂંટણીની જવાબદારી મુખ્યમંત્રી યોગીને આપી છે. યોગી માટે એક રીતે આ લિટમસ ટેસ્ટ છે. લોકસભામાં ધબડકા બાદ યોગીને ભાજપ હાઈકમાન્ડે ફ્રી હેન્ડ આપ્યો છે. એમાં સંગઠન અને ઉપમુખ્યમંત્રી મૌર્ય મદદ કરે અને અડચણો ઉભી ન કરે એવી તાકીદ થઈ છે. સંઘ પણ એમાં સહમત છે અને એ મુદ્દે બાકીના નેતાઓને વિશ્વાસમાં લેવાશે.
કેશવ પ્રસાદ મૌર્ય અને ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ યોગી સામે મોરચો ખોલ્યો છે.
કેશવ પ્રસાદ મૌર્ય અગાઉ યુપી ભાજપ અધ્યક્ષ હતા. તેમને ફરીથી એ જવાબદારી મળે એવા પ્રયાસો પણ યુપી ભાજપનું એક જૂથ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે સંઘના નિરીક્ષક તરીકે અરૂણ કુમાર યુપીના પાંચેય મહત્ત્વના નેતાઓની વાત સાંભળશે અને તેમને જરૂરી માર્ગદર્શન આપશે.