દુનિયાભરમાં ૨૦ જુલાઈના રોજ વિશ્વ ચેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચેસ રણનીતિ અને બૌદ્ધિક કૌશલ્ય સાથે સંકળાયેલી રમત છે અને તે દુનિયાભરમાં લોકપ્રિય છે.
દુનિયાભરમાં ૨૦ જુલાઈના રોજ વિશ્વ ચેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચેસ રણનીતિ અને બૌદ્ધિક કૌશલ્ય સાથે સંકળાયેલી રમત છે અને તે દુનિયાભરમાં લોકપ્રિય છે. માનસિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ રમત ચેસ લાંબા સમયથી રમાતી આવી છે. સમયની સાથે તેની લોકપ્રિયતા વધી રહી છે. તમને વિશ્વ ચેસ દિવસનું મહત્વ અને ઇતિહાસ જણાવી રહ્યા છીએ.
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ૨૦૨૪: તારીખ અને ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે ૨૦ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જુલાઈ, ૧૯૨૪ ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE) ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન અને દેખરેખ કરવા અને વૈશ્વિક સ્તરે રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. ૨૦૨૪માં આ વર્ષે તે ૨૦ જુલાઈને શનિવારના રોજ મનાવવામાં આવશે .
યુનેસ્કોએ ૨૦ જુલાઈએ વર્લ્ડ ચેસ ડેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ ૨૦ જુલાઈ, ૧૯૬૬ના રોજ સૌપ્રથમ વર્લ્ડ ચેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જોકે યુનોની જનરલ એસેમ્બલી તરફથી ૧૨મી ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ૨૦મી જુલાઈને વર્લ્ડ ચેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આધુનિક ચેસની સૌપ્રથમ ટુર્નામેન્ટ ૧૮૫૧ માં લંડનમાં યોજાઈ હતી. જેમાં જર્મન એડોલ્ફ એન્ડરસન વિજેતા બન્યો.
ચેસનો એક લાંબો ઈતિહાસ છે, જે 6ઠ્ઠી સદીની આસપાસ પ્રાચીન ભારતમાં ઉદ્દભવ્યો હતો. ભારતમાંથી આ રમત પર્શિયા અને ત્યારબાદ મધ્યયુગીન સમયગાળા દરમિયાન આરબ વિશ્વ અને યુરોપમાં ફેલાઈ હતી. તે સમયાંતરે પ્રમાણિત નિયમો અને વ્યૂહરચનાઓ સાથે તેના આધુનિક સ્વરૂપમાં વિકસિત થયું છે.
આજે વિશ્વભરમાં લાખો લોકો ચેસ રમે છે. ચેસ વિશ્વભરમાં ભાષા અને સમુદાયની સીમાઓની પેલે પાર રમવામાં આવે છે. વિશ્વ ચેસ ડે નિમિત્તે સમગ્ર વિશ્વમાં ચેસની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ વૈશ્વિક રમત લોકોમાં નિષ્પક્ષતા, સમાવેશ અને પરસ્પર આદરને પ્રોત્સાહન આપે છે, જેથી મનુષ્યની માનસિક ક્ષમતાઓમાં વધારો થાય છે.
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ૨૦૨૪: મહત્વ અને ઉજવણીઓ
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ ધરાવે છે. ૧૯૬૬માં યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. આ દિવસ વિશ્વભરના ખેલાડીઓ વચ્ચે સાંસ્કૃતિક વિનિમય, પરસ્પર સમજણ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવા માટે ચેસની ભૂમિકાને રેખાંકિત કરે છે.
તેના સ્પર્ધાત્મક પાસાઓ ઉપરાંત, ચેસ ધીરજ, સ્થિતિસ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે, જે તેને વિવિધ સંસ્કૃતિઓ અને પેઢીઓમાં લાખો લોકો દ્વારા અપનાવવામાં આવેલ પ્રિય મનોરંજન અને શૈક્ષણિક સાધન બનાવે છે.
અધ્યયન દર્શાવે છે કે ચેસ રમવાથી મગજના કાર્યમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. તેને ખૂબ જ ફાયદાકારક કસરત તરીકે જોવામાં આવે છે.