ગુજરાતમાં છેલ્લા ૨ દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો, રાજ્યમાં છેલ્લા ૨ દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો ૫૮ ને પાર.
ગુજરાતમાં ચાદીપુરાના કેસમાં બે દિવસમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ શંકાસ્પદ વાયરસના કેસનો આંકડો ૫૮ પર પહોંચ્યો છે.. આ સાથે આ શંકાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૦ના મૃત્યુ થયા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે ૧૦૪ નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા ૨ દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો ૫૮ ને પાર પહોંચ્યો છે. જો આપણે આ શંકાસ્પદ કેસની વાત કરીએ તો અત્યાર સુધી સાબરકાંઠામાં ૮ કેસ, અરવલ્લીમાં ૪ કેસ, મહીસાગરમાં ૨ કેસ, ખેડામાં ૨, મહેસાણામાં ૩, રાજકોટમાં ૨ કેસ, સુરેન્દ્રનગરમાં ૨, અમદાવાદમાં ૪ કેસ, ગાંધીનગરમાં ૪, પંચમહાલમાં ૭, જામનગરમાં ૫, મોરબીમાં ૪, જામનગરમાં ૫ કેસ, છોટાઉદેપુરમાં ૨, દાહોદમાં ૨, વડોદરામાં ૧, નર્મદામાં ૧, બનાસકાંઠામાં ૧, ભાવનગરમાં ૧ અને દ્વારકામાં ૧ કેસ નોંધાયા છે.