અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેને આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેમાં તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાઇડેન પ્રમુખપદની ચૂંટણી લડશે કે નહીં તેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. બાઇડેને પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી પ્રમુખપદની ચૂંટણી નહીં લડવાની જાણકારી આપી છે. ૨૮ જૂને અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચર્ચા બાદ પ્રમુખપદની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ બાઈડેનને પ્રમુખપદની ચૂંટણીની ઉમેદવાર છોડી દેવાની માગ કરી હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ટેક્સાસના સાંસદ લોયડ ડોગેટે જાહેરમાં બાઈડેનને ઉમેદવારી છોડવાની માગ કરનાર પહેલા નેતા હતા. જો કે, ત્યારબાદ બાઈડેને કહ્યું હતું કે, ‘જો ડોક્ટર મને અનફિટ કે કોઈ બિમારીથી પીડિત જણાવશે તો હું જાતે જ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ જઈશ.’
સોશિયલ મીડિયામાં જાહેર કરેલા પત્રમાં બાઈડેને તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં થયેલા વિકાસ વિશે લખ્યું છે કે, ‘આપણે સાડા ત્રણ વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. અમેરિકા વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર છે ત્યારે દેશના નિર્માણ માટે ઐતિહાસિક રોકાણ કર્યું છે. અમેરિકાના લોકોને સસ્તી હેલ્થ કેર એટલે કે સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે. અમે છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમ વખત ગન સેફ્ટીનો કાયદો પસાર કર્યો છે. આ સાથે પર્યાવરણ બચાવવા માટે વિશ્વમાં પહેલી વખત આ કાયદો લાવ્યાં છીએ. અમેરિકાની સ્થિતિ પહેલા કરતાં હાલ સારી છે.’