ચાંદીપુરા વાયરસ: ૫ બાળકોનાં મોત, વધુ ૧૩ મામલા સામે આવતા કુલ શંકાસ્પદ કેસ ૮૪ થયા.
ગુજરાતમાં ચાંદીપુરાના વધુ ૧૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોં આંક ૮૪ થયો છે અને તેમાંથી હાલ ૯ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૨ થયો છે.
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ ૮૪ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી ૨ જ્યારે સુરેન્દ્રનગર- ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી ૧-૧ કેસ નોંધાયા છે. હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ ૧૧, સાબરકાંઠામાંથી ૮, અમદાવાદ શહેરમાંથી ૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આજે નવા કોઇ પોઝિટિવ કેસ મળ્યા નથી. અત્યારસુધી અરવલ્લી- મહેસાણામાંથી ૨-૨ જ્યારે ગાંધીનગર- પંચમહાલ, મોરબી, વડોદરામાંથી ૧-૧ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
ચાંદીપુરાના શંકાસ્પદ કેસનું ગાંધીનગરમાં જ પરીક્ષણ થશે. જેના પગલે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ઝડપથી જાણી શકાશે. રવિવારે બનાસકાંઠામાંથી ૨ જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી ૧-૧ દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટિસના ૪૬ દર્દીઓ દાખલ છે અને ૧ દર્દીને રજા અપાઈ છે. વધતા કેસને પગલે આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૮૭૨૯ ઘરમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. અત્યારસુધીમાં કુલ ૧.૧૬ લાખ કાચા ઘરમાં મેલિથિયન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે.