એક સારા વિચારનો ઈમાનદારીથી અમલ કરવામાં આવે તો કેટલા પરિવારની જિંદગી બહેતર બનાવી શકાય તેનું સર્વોત્તમ ઉદાહરણ છે લિજ્જત પાપડ.
લિજ્જતની કથા, માત્ર કમાણી કરવાના ઈરાદાને બદલે પોતાની ક્ષમતા અને મૂલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરીને જીવનનિર્વાહની જરૂરિયાતમાંથી સર્જાયેલા જંગી ‘આંદોલન’ની કથા છે. કૃતનિશ્ચય સાથે આકરી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.
મહિલાઓના હાથે બનેલા લિજ્જત પાપડ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે, એ બધા જાણે છે. મુંબઈની સાત મહિલાઓએ પોતપોતાના પરિવારને આર્થિક મદદ કરવાના હેતુસર 1959ની 15 માર્ચે શરૂ કરેલું આ સાહસ આજે અત્યંત સફળ બિઝનેસ મૉડેલ બની ગયું છે.
સાત ગૃહિણીઓ પાસે ઘરેલુ સાહસ શરૂ કરવાના પૈસા ન હતા. તેથી તેમણે સામાજિક કાર્યકર અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા’ના સભ્ય છગનલાલ કરમસી પારેખ પાસેથી 80 રૂપિયાની લોન લીધી હતી. તે પૈસામાંથી અડદનો લોટ, હિંગ અને બીજી જરૂરી સામગ્રી ખરીદી હતી.
શરૂઆતમાં સસ્તા-સાધારણ ક્વૉલિટીના અને મોંઘા-ઉત્તમ ક્વૉલિટીના એમ બે પ્રકારના પાપડ બનાવવામાં આવતા હતા. પરંતુ ગુણવત્તા એટલે કે ક્વૉલિટી બાબતે કોઈ સમાધાન નહીં કરવાની સલાહ છગનલાલ પારેખે આપી હતી. લિજ્જત દ્વારા આજે બનાવવામાં આવતા કુલ 2.5 કરોડ કિલો પાપડનો સ્વાદ એકસરખો હોવાનું એક કારણ આ છે.
ગૃહિણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સહકારી આંદોલનની દેશનાં 17 રાજ્યોમાં 88 શાખાઓ છે. રૂપિયા 1600 કરોડનું ટર્નઓવર ધરાવતો ‘શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ’ વિશ્વના 25 દેશોમાં 80 કરોડ રૂપિયાના પાપડની નિકાસ કરે છે.
સૌથી મહત્વની વાત એ છે કે લિજ્જત દેશની 45,000 મહિલાઓને રોજગાર આપે છે.
લિજ્જતની પહેલી શાખા મુંબઈમાં શરૂ થયા બાદ બીજી શાખા ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ ખાતે 1968માં શરૂ કરવામાં આવી હતી. બીબીસી-ગુજરાતીએ વાલોડ શાખાની મુલાકાત લઈને લિજ્જતના પરિશ્રમને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વાલોડ શાખાનાં સંચાલિકા લક્ષ્મીબહેને કહ્યું હતું, “અમારી સંસ્થામાં સવારે સાડા પાંચ વાગ્યાથી કામકાજ શરૂ થઈ જાય છે. દરરોજ સવારે સાડા પાંચથી દસ વાગ્યા સુધી પાપડના લોટનું વિતરણ કરવામાં આવે છે. બહેનો એ લોટ પોતપોતાના ઘરે લઈ જઈને તેમાંથી પાપડ વણે છે. બીજા દિવસે એ પાપડ જમા કરાવે છે અને નવો લોટ લઈ જાય છે.”
વાલોડ શાખાનાં કર્મચારી જ્યોતિબહેન નાયિકાએ કહ્યું હતું, “ગામની 1200થી 1300 બહેનો અમારી સંસ્થામાંથી રોજગારી મેળવે છે. મહિલાઓને પાપડ વણવાનું મહેનતાણું દર પખવાડિયે બૅન્કમાં જમા કરાવવામાં આવે છે. લોટના વિતરણના પ્રમાણમાં પૅમેન્ટ આપવામાં આવે છે. પાપડ વણીને મહિલાઓ મહિને 5,000થી 8000 રૂપિયાની કમાણી કરે છે.”
આટલું જાણ્યા પછી લિજ્જતની સફળતાનું રહસ્ય પણ જાણી લો.
લિજ્જત સમગ્ર સમુદાયના આર્થિક તથા સામાજિક વિકાસ અને સામૂહિક માલિકીની ફિલસૂફીને અનુસરે છે. લિજ્જત તેના તમામ કાર્યકારી સભ્યોને માલિક ગણે છે, નફા- નુકસાન બંનેમાં સમાન ભાગીદાર ગણે છે.
લિજ્જતમાં બધા નિર્ણય સર્વસંમતિના આધારે લેવામાં આવે છે. સંગઠનનાં તમામ સભ્ય બહેન કોઈ પણ નિર્ણયને વિટો કરવાનો અધિકાર ધરાવે છે. આ સંસ્થામાં પુરુષો પગારદાર કર્મચારી હોઈ શકે છે, પણ આ સંસ્થાનું સભ્યપદ માત્ર સ્ત્રીઓને જ મળે છે.
આ સંગઠનનું સંચાલન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બે સચિવ અને બે ખજાનચી સહિતના એકવીસ સભ્યોની મૅનેજિંગ કમિટી કરે છે. સંચાલીકાઓ વિવિધ શાખાઓ અને વિભાગોનાં પ્રભારી તરીકે કામ કરે છે.
લિજ્જતનું કામકાજ માત્ર પાપડ પૂરતું મર્યાદિત નથી રહ્યું. લિજ્જત હવે મસાલા, ઘંઉનો લોટ, રોટલી, ડિટર્જન્ટ પાઉડર, ડિટર્જન્ટ સાબુ અને લિક્વિડ ડિટર્જન્ટનું ઉત્પાદન પણ કરે છે.
સ્ત્રીઓના સ્વાવલંબન માટે વર્ષો પહેલાં કરાયેલી પહેલ આજે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે અને હવે તો લિજ્જતની સફળતાની ગાથાના વર્ણવતી ફિલ્મ પણ બની રહી છે.