ત્રણ જ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વણસી.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં જાણે આભ ફાટ્યુ હોય એમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં ત્રણ કલાકની અંદરમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદને પગલે ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેવામાં અનેક રસ્તાઓ, ઘરો અને દુકાના પાણી ભરાયા છે. ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયાવહ સ્થિતિ ઉભી થઈ છે.
રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદે ધબડાટી બોલાવી
સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ઉપલેટાના લાઠ ગામમાં મેઘરાજાએ ઘબડાટી બોલાવી છે. વરસાદી સ્થિતિ વિશે ગામના સરપંચે જાણકારી આપી હતી કે, ‘સવારના છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેનાથી ગામ સહિતના નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અતિભારે વરસાદી માહોલ વચ્ચે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ સાથે ઉપલેટા-માણાવદર ખાતે ભણાવા ગયેલા વિદ્યાર્થીઓને માણાવદર રોકવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ધોધમાર વરસાદને કારણે મોજ, વેણુ અને પાદર નદીના પાણી ગામમાં ઘુસતાં આખુ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. જ્યારે ભારે વરસાદ પડતા ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.’
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓ અને ગામડાઓમાં અતિભારે વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે ઉપલેટાના લાઠ ગામ પછી તલંગાણામાં અતિભારે વરસાદને પગલે ગામમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જેમાં ગામના અનેક ઘરોમાં પાણી ભરાયા છે.