રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪ % જળ સંગ્રહ.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ % જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ % જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૦૮:૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં ૧૩,૫૩૦ ક્યુસેક, ભાદર-૨માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨માં ૧૨,૯૪૩ ક્યુસેક અને સરદાર સરોવરમાં ૧૧,૧૪૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૬ ડેમ ૫૦ થી ૭૦ % ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫ થી ૫૦ % ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ %, કચ્છના ૨૦ માં ૪૯.૨૧૩ દક્ષિણ ગુજરાતના ૧૩ માં ૪૬.૧૬ %,મધ્ય ગુજરાતના ૧૭ માં ૩૫.૧૭, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૯ % પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ૬ ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૦૬:૦૦ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩ %થી વધુ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૫ %થી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૩ %થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ %થી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૨ %થી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ % જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ડાંગના સુબિર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ ૧૫ તાલુકામાં ૪ ઈંચ અને ૨૧ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૨૫ જેટલા તાલુકામાં બે ઈંચથી વધુ અને ૪૭ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.