વડાપ્રધાન મોદીની કિવની આ પ્રથમ મુલાકાત હશે, ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું.
વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત લીધા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રશિયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાતે જવાના છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ૨૦૨૨ માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ વડાપ્રધાન મોદીની કિવની આ પ્રથમ મુલાકાત હશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત રશિયાની મુલાકાતના લગભગ એક મહિના બાદ થઈ રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીની મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત અંગે જાહેરમાં નારાજગી દર્શાવી હતી. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાતને યુક્રેનની સાથે રશિયાને પણ શાંત રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું છે અને તેઓ ૨૩ ઓગસ્ટની આસપાસ યુક્રેનની મુલાકાત લઈ શકે છે. જોકે તારીખોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ઈટાલીમાં જી૭ સમિટ દરમિયાન મળ્યા હતા. લગભગ એક મહિના પહેલા યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ગળે મળતા જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર જીત્યા ત્યારે ઝેલેન્સકીએ તેમને એ જ દિવસે અભિનંદન પાઠવ્યા હતા.