યુવાનોને રોજગારના લાયક બનાવવાની જરૂર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, “ભારત એક યુવા દેશ છે. અને તે તેના કાર્યબળને કારણે વિશ્વભરમાં મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આપણે આપણા યુવાનોને કુશળ અને રોજગારીયોગ્ય કાર્યબળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વિકસિત ભારત ૨૦૨૪ બનાવવા માટેના કૌશલ્ય, સંશોધન, નવીનતા અને નોકરી આધારિત જ્ઞાન પર ભાર મૂકવા માટે જરૂરી છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “NEP, મુદ્રા, પી.એમ વિશ્વકર્મા, પીએમ સુવિધા જેવી યોજનાઓ અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા વગેરે જેવી યોજનાનો ઉપયોગ ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફાર લાવવા માટે થવો જોઈએ.”
બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોને કહ્યું કે, “વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે.” આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં રાજ્યો સક્રિય ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેઓ સીધા લોકો સાથે જોડાયેલા છે.”
નીતિ આયોગની આ બેઠક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી સંચાલન તથા સહયોગ વધારવા, વિતરક નેટવર્કને મજબૂત કરી ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો હતો.
વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે.
નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે.
નીતિ આયોગની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. તેમણે કહ્યું કે, “મને માત્ર પાંચ મિનિટ બોલ્યા બાદ રોકી દેવામાં આવી હતી” તેમણે ૨૦૨૪-૨૫ના કેન્દ્રીય બજેટ પર ટીકા કરતાં કહ્યું કે આ બજેટ પક્ષપાતી પૂર્વકનું છે.