અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હત્યાનું ષડયંત્ર ઈરાને ઘડયું હોવાના કહેવાતા અહેવાલો પછી ખુલ્લે આમ ઈરાનને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, જો ઈરાન પ્રમુખની હત્યા કરાવશે તો પૃથ્વી ઉપરથી ભૂસાઈ જશે.
હમાસ- ઇઝરાયલ યુદ્ધમાં હમાસને તથા એડન પાસે હૂથીને અને ઉત્તરમાં લેબેનોન સ્થિત હિઝબુલ્લાહને સતત શસ્ત્રોની અને નાણાંની મદદ કરી રહેલા ઈરાન સાથે અમેરિકાને કટ્ટર દુશ્મનાવટ છે. વાસ્તવમાં ઈરાન અમેરિકાને તેનું પહેલા નંબરનું શત્રુ ગણે છે. તેવામાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબારમાં ઈરાનનો હાથ હોવાની વાત પણ બહાર આવતાં ટ્રમ્પ ખરેખરા ઈરાન પર ધૂંધવાયા છે.
ટ્રમ્પે તેઓની પોસ્ટ પર જણાવ્યું કે જો પ્રમુખ ટ્રમ્પની હત્યા કરવાનો ઈરાન પ્રયાસ કરશે – જેની પૂરેપૂરી શકયતા છે તો ઈરાન પૃથ્વી ઉપરથી ભૂંસાઈ જશે.
ટ્રમ્પની હત્યાના થયેલા પ્રયાસની વાત તો હવે સર્વવિદિત થઈ ગઈ છે. બીજી તરફ ઈરાનીયન ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ કવૉડ ફોર્સના નેતાની હત્યા કરવાનો, તે સમયે અમેરિકાના પ્રમુખ પદે રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જ હુકમ આપ્યો હોવાનું કહેવાય છે. ઈરાન તે હત્યાનું વેર વાળવા ટ્રમ્પની હત્યાના ષડયંત્રો ઘડવાનું શરૂ કરી દીધું હોવાનું પણ કહેવાય છે.
આ પૂર્વે ૨૦૧૭માં ટ્રમ્પે ઉ. કોરિયા અંગે પણ આ પ્રકારની જ ધમકી ઉચ્ચારી હતી. તે સમયે પણ ટ્રમ્પ પ્રમુખ પદે હતા. (૨૦૧૬-૨૦૨૦) તેઓએ ત્યારે કહ્યું હતું કે, જો કીમ જોંગ ઊનનો દેશ અમેરિકા સામે શિંગડા ભરાવવાનુ ચાલુ જ રાખશે તો તેને ફાયર એન્ડ ફયુરી (આગ અને ઝનૂન) (અમેરિકાનો) સામનો કરવો પડશે.
૨૦૧૯માં ટ્રમ્પ અને ઉન વચ્ચે સિંગાપુરમાં શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ ઉનના બહેને છેલ્લી મીનીટે ઉનને તે મંત્રણા તોડી પાડવા કહ્યું હતું. જે થયું પણ હતું. ઉન ત્યારથી યુએસ સામે પરમાણુ બોંબના ટોંચકાવાળા મિસાઇલ્સની ધમકી ઉચ્ચારી રહ્યા છે. બીજી તરફ ઇરાન પરમાણુ બોંબ બનાવી રહ્યું છે.
ટ્રમ્પનો વિજય નિશ્ચિત લાગે છે ત્યારે વિશ્વ ટાઇટ-રોપ પર આવી ગયું છે. તેમ નિરીક્ષકો સ્પષ્ટ કહે છે. દારૂગોળો ભરાઈ ગયો છે. ચીનગારી ચંપાય તો શું થશે તે કહી શકાય તેમ નથી.