હવે થશે ‘મહાયુદ્ધ ?
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૯ મહિના કરતા પણ વધુ સમય થયો છે. આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઘણા પરિવારોએ પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે લેબનોનના હિઝબુલ્લાએ ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર ભીષણ હુમલો કર્યો છે. જેમાં ૧૨ બાળકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ હુમલો ગોલન હાઇટ્સ વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
બાળકોની ઉમર આશરે ૧૦-૨૦ વર્ષની હતી
આ હુમલામાં જે બાળકોના મોત થયા છે તેમની ઉમર આશરે ૧૦-૨૦ વર્ષની હતી. ફૂટબોલ ગ્રાઉન્ડ પર બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન જ રોકેટ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં લગભગ ૨૯ લોકો ઈજાગ્રસ્ત થયાનું કહેવાય છે. આ હુમલા બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે મોટુ યુદ્ધ પણ ફાટી નીકળવાની સંભાવના પણ વધી ગઈ છે. ઈઝરાયલે આ હુમલાને સાત ઓક્ટોબર બાદનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. તેમજ ઈઝરાયલે આ રોકેટની ઓળખ કરી છે જે લેબનોનથી ઈઝરાયલના ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.
આ હુમલાએ ઈઝરાયલ-લેબનોન સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વધુ લાંબુ અને ભીષણ થવાની આશંકા વ્યક્ત કરી છે. આ હુમલાના જવાબ આપવા કેટલાક ઇઝરાયલના રાજકારણીઓએ ઉગ્ર માંગ કરી છે. જો કે હિઝબુલ્લાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત સાથે, લેબેનોનની સરહદ પર હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ પણ શરૂ થયો હતો.
ગત વર્ષે ઈઝરાયલ પર હમાસ દ્વારા હુમલો કરાયો હતો
૨૦૨૩ની સાતમી ઑક્ટોબરે હમાસ દ્વારા ઓચિંતા હુમલા પછી ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલ અને હિઝબોલ્લાહ વચ્ચે દરરોજ ગોળીબાર થાય છે, જેમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ અન્યને બંધક બનાવ્યા છે. ઑક્ટોબરની શરૂઆતથી, ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબનોનમાં ૪૫૦થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે હિઝબુલ્લાહના સભ્યો સહિત ૯૦ નાગરિકો પણ સામેલ હતા.