કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરનો ધમાકેદાર જીત સાથે શુભારંભ.

સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે યજમાન શ્રીલંકાને ત્રણ મૅચવાળી ટી-૨૦ સિરીઝમાં શનિવાર બાદ રવિવારે રમાયેલી બૅક-ટુ-બૅક મૅચમાં સાત વિકેટે હરાવીને શ્રેણીમાં ૨-૦ થી વિજયી સરસાઈ મેળવી હતી.
વરસાદના વિઘ્નો વચ્ચે શ્રીલંકા ૨૦ ઓવરમાં ૧૬૧/૯ ના સ્કોર સુધી સીમિત રહ્યું હતું. એક તબક્કે યજમાન ટીમે ૩૧ રનમાં સાત વિકેટ ગુમાવી હતી.
ભારતને વરસાદના લાંબા વિઘ્ન બાદ જીતવા છેવટે ૮ ઓવરમાં માત્ર ૭૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતે ૬.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. શનિવારના પહેલા મુકાબલામાં ભારતે ૪૩ રનથી શ્રીલંકાને હરાવ્યું હતું.
એક તરફ શ્રીલંકામાં સાંજે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમ એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે હારી ગઈ ત્યાં બીજી બાજુ રાત્રે ભારતની મેન્સ ટીમે શ્રીલંકાની મેન્સ ટીમ સામે ૨-0થી વિજયી સરસાઈ મેળવી હતી.
સૂર્યકુમાર યાદવે રેગ્યુલર કૅપ્ટન્સીની અને ગૌતમ ગંભીરે હેડ-કોચ તરીકેની પ્રથમ સિરીઝમાં જવલંત વિજય હાંસલ કર્યો છે.

હાર્દિક પંડ્યા બાવીસ રને અણનમ રહ્યો હતો.
એ પહેલાં, યશસ્વીએ ૩૦ રન અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૬ રન બનાવ્યા હતા. સ્પિનર રવિ બિશ્નોઈ (૪-૦-૨૬-૩)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
બૅટિંગ મળ્યા બાદ શ્રીલંકાની ૧૬૧/૯ની ઇનિંગ્સમાં એકમાત્ર કુસાલ પરેરા (૫૩ રન) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો.
શનિવારે ચરિથ અસલંકાની ટીમ ૨૧ રનમાં આઠ વિકેટ ગુમાવી બેઠી હતી, જ્યારે રવિવારે તેમણે ૩૦ બૉલમાં ૩૧ રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી.
ભારતીય બોલર્સમાં રવિ બિશ્નોઈનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ હતો. એ સિવાય, અર્શદીપ સિંહ તેમ જ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી. શનિવારના સ્ટાર બોલર રિયાન પરાગને ૩૦ રનમાં એકેય વિકેટ નહોતી મળી. સિરાજ પણ વિકેટ વિનાનો રહ્યો હતો.
પહેલી ૧૦ ઓવરમાં શ્રીલંકાએ એક જ વિકેટે ૮૦ રન બનાવ્યા હતા, પરંતુ અસલંકાની ટીમ દિશા ભૂલી ચૂકી હતી અને બીજા ૮૦ રનમાં એણે આઠ વિકેટ ગુમાવી દીધી હતી.
૧૫મી ઓવરમાં માત્ર બે વિકેટે ૧૩૦ રનનો સ્કોર હતો, પરંતુ ત્યાંથી અચાનક શ્રીલંકાનો મિડલ-ઑર્ડર ધરાશયી થયો હતો.
સૂર્યકુમારના મેદાન પરના બોલિંગમાંના ફેરફાર ડ્રેસિંગ-રૂમમાં હેડ-કોચ ગૌતમ ગંભીરે બતાવેલા પ્લાનનો સંકેત આપતા હતા.