૧૦૦થી વધુ મોત, ઘર-રસ્તા-વાહનો તણાયા.
કેરળના વાયનાડમાં ભારે વરસાદ પડ્યા બાદ ત્રણ ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ ભારે તારાજી સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના, ૧૦૦થી વધુ લોકો ઈજા થયા હોવાના અને ૯૮થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલો મળ્યા છે, ત્યારે હવે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં ઘરો, રસ્તાઓ, વાહનો અને વૃક્ષો તણાતા જોવા મળી રહ્યા છે. હાલ આર્મી અને નેવી સહિતના જવાનો પૂરજોશમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડવાના કારણે રાહત કાર્યમાં અચડણો પણ ઉભી થઈ રહી છે.

કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે (૩૦ જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાહી સર્જાઈ છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં ૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમને મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઑપરેશન માટે સ્થાનિક તંત્રની સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, ‘જ્યાં ઘટના બની તે વિસ્તારોમાં તમામ લોકો રાત્રે સુઈ ગયા હતા. ભૂસ્ખલન થવાના કારણે બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં વહી ગયા છે, જ્યારે એક જળાશય પાસેથી ૧૬ મૃતદેહો મળ્યા છે. અત્યાર સુધી માત્ર ૩૪ મૃતદેહોની ઓળખ થઈ શકી છે. ૧૮ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપાયા છે. સેનાની ટીમ હવે મુંડક્કાઈના બજાર વિસ્તારમાં પહોંચી ગઈ છે. ઘાયલ થયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ આપણા રાજ્યમાં સૌથી ખરાબ કુદરતી આફતો પૈકીની એક છે.’

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘પ્રથમ ભૂસ્ખલન મોડી રાત્રે લગભગ બે કલાકે થયું હતું, ત્યારપછી સવારે ૦૪:૧૦ કલાકે વધુ એક ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં જાનમાલને ભારે નુકસાન થયું છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. અમે બચાવ કાર્ય ચાલુ રાખવા તમામ પ્રયાસો કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, બંગાળના ગવર્નર સી.વી.આનંદ બોઝે મને સીધો ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તેઓએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વાયનાડમાં ૪૫ રાહત શિબિર તૈયાર કરવામાં આવી છે, જેમાં ૩૬૦૦થી વધુ લોકોને સ્થળાંત કરાયા છે.’
.jpg?$p=580580e&f=16x10&w=852&q=0.8)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં વળતરની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે ‘વાયનાડના કેટલાક ભાગોમાં થયેલા ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.’ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.’