ગ્રૂપ-બીમાં મોખરે થયું.
૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની ટીમે આ વખતે પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાની સ્થિતિ મંગળવારે આયરલૅન્ડ સામે વિજય મેળવીને વધુ મજબૂત કરી લીધી હતી.
ભારતે આયરિશ ટીમને ૨-૦થી હરાવી હતી. બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. એ સાથે, હરમનપ્રીતના નામે આ સ્પર્ધામાં કુલ ચાર ગોલ છે.
ન્યૂ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચ ૩-૨ થી જીતી લીધા પછી આર્જેન્ટિના સામેની મૅચ ભારતે ૧-૧ થી ડ્રૉ કરી હતી.
ગ્રૂપ-બીમાં ભારત મંગળવારે સાંજે સાત પોઇન્ટ સાથે મોખરે હતું. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમ છ પૉઇન્ટ સાથે બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયા પણ છ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે હતું. આ બન્ને દેશની જેમ ભારતી ટીમ આ ઑલિમ્પિક્સમાં અપરાજિત છે.
હરમનપ્રીત સિંહે ૧૧ મી અને ૧૯ મી મિનિટમાં ગોલ કરીને આયરલૅન્ડની ટીમને શરૂઆતમાં જ પરચો બતાવી દીધો હતો. તેણે પ્રથમ ગોલ પેનલ્ટી સ્ટ્રૉકમાં અને બીજો ગોલ પેનલ્ટી કૉર્નરમાં કર્યો હતો.
એક તબક્કે આયરિશ ટીમને ગોલ કરવાની તક હતી, પરંતુ મિડફીલ્ડમાં ગુર્જન્ત સિંહે હરીફ ખેલાડીના કબજામાંથી બૉલ આંચકીને મનદીપ સિંહ તરફ મોકલી દીધો હતો અને ત્યારે સર્કલમાં આયરિશ ટીમના કેટલાક ડિફેન્ડરોથી ફાઉલ થઈ જતાં ભારતને પેનલ્ટી સ્ટ્રૉક મળ્યો હતો જેમાં હરમનપ્રીતે ગોલ કરી દીધો હતો.
હવે ભારતનો મુકાબલો ગુરુવારે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના ચૅમ્પિયન બેલ્જિયમ સામે થશે. ત્યાર બાદ શુક્રવારે ભારતે ઑસ્ટ્રેલિયા સામે રમવું પડશે.
ગ્રૂપ ‘એ’માં નેધરલૅન્ડ્સ, જર્મની અને ગ્રેટ બ્રિટન ટોચના ત્રણ સ્થાને છે.