ગાંધીનગરમાં બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઈબ્રેરી.

દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જવાથી 3 વિદ્યાર્થીઓનાં મોત થયા પછી સરકાર એક્શનમાં આવી છે, ત્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (MCD) ગત સોમવારે મુખર્જી નગર વિસ્તારમાં આવેલા દૃષ્ટિ IAS કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હોવાથી બિલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને સીલ કરી દેવામાં આવ્યું છે. એવી જ કાંઈ સ્થિતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છે, જ્યાં એક બિલ્ડિંગના ભોંયરામાં રીડિંગ માટે લાયબ્રેરીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગરમાં સેક્ટર ૨, સેક્ટર ૩ અને સેક્ટર ૮ ના વિસ્તારમાં બેઝમેન્ટમાં ૩ લાયબ્રેરી ધમધમી રહી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટની TRP ગેમ ઝોનની ઘટના પછી રાજ્ય સરકારે અનેક ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન, કેફે, રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યાં હતા. જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા બેઝમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, પોતાના વતનથી દૂર નોકરી મેળવવાની મનોકામના સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થાય છે. આ દરમિયાન દિલ્લીની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત પછી પણ ગાંધીનગરમાં તંત્રની આંખ ઉઘડતી નથી, આડેધડ ભોંયરામાં લાયબ્રેરી અને ખાનગી મકાનોમાં PG કોઈ જ પ્રકારની પરવાનગી વગર શરૂ રાખવા દે છે.

ગાંધીનગરમાં સેક્ટર ૨, સેક્ટર ૩ અને સેક્ટર ૮ માં ત્રણ લાયબ્રેરી બેઝમેન્ટમાં ચાલી રહી છે. બીજી તરફ, રાજ્યના ખૂણે ખૂણેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અને સરકારી નોકરી મેળવવાના સપના સાથે અનેક વિદ્યાર્થી પોતાના વતનથી દૂર ગાંધીનગરમાં ક્લાસિસ કરવા માટે આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નજીવા ખર્ચે રહેવા માટે પીજી કે કેટલાક મિત્રો સાથે મળીને રૂમ રાખીને રહેતા હોય છે. તનતોડ મહેનત કરવા માટે વિદ્યાર્થીઓ ક્લાસિસની સાથે-સાથે ૧૨૦૦-૧૫૦૦ રૂપિયામાં પ્રાઈવેટ લાઈબ્રેરી જોઈન કરીને તૈયારી કરતાં હોય છે, ત્યારે અમુક લોકો પોતાના સ્વાર્થને સાકાર કરવા માટે બેઝમેન્ટ જેવી જગ્યાએ લાઈબ્રેરી બનાવીને અનેક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકે છે. જેમાં પૈસાના સ્વાર્થી લોકોના બાવળા તંત્રના સાથસહકારથી વધુ મજબૂત બનતા હોવાથી તેમને કોઈ પ્રકારના નીતિ નિયમો લાગુ પડતા નથી. નિયમો નેવે મૂકીને સ્ટોરેજ કે પાર્કિગના હેતુથી બનાવવામાં આવેલા બેઝમેન્ટમાં રીડિંગ લાયબ્રેરી ચલાવતા હોવાથી વિદ્યાર્થીઓની સલામતીને અનેક સવાલો ઉભા થાય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમુક વિસ્તારોમાં બેઝમેન્ટમાં લાયબ્રેરી ચાલતી હોવા સામે તંત્રની આંખો ઉઘડતી નથી
રાજકોટની ઘટના બાદ સરકારના આદેશને ધ્યાનમાં રાખીને સફાળે જાગેલા ગાંધીનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનના (GMC) તંત્ર દ્વારા આંખે વળગે એ રીતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવામાં ક્યાંકને ક્યાંક કચાશ રાખી હોય એવું લાગે છે.
સુરેન્દ્રનગરથી એપ્રિલ મહિનામાં ગાંધીનગર તૈયારી કરવા આવેલા એક વિધાર્થીએ જણાવ્યું કે, ‘હું પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર આવ્યો છું. મે ૨૧.૦૦૦ રુપિયા ફી ભરીને જોઈન કરેલા ક્લાસિસમાં રોજ બે કલાક પરીક્ષાની તૈયારી કરવા માટેના ફેકલ્ટીનો લેકચર આવે છે. જ્યાં સુધી પોલીસની પરીક્ષા પૂર્ણ નહીં લેવાય ત્યાં સુધી આ ક્લાસિસનોં લાભ મળશે.’ અન્ય એક વિધાર્થીએ કહ્યું હતું કે, ‘હવે પરીક્ષાની તૈયારી કરવા માટે પીજીમાં રહેવા-જમવા સાથે ૬,૦૦૦ રુપિયા ભરીને રહીએ છીએ. આ સાથે લાયબ્રેરી માટે અમારે ૧૫૦૦ રુપિયા દર મહિને ભરવાના હોય છે. આ ઉપરાંત પરીક્ષા માટેના ક્લાસિસની ફી એક સાથે ભરીએ તો ૨૨,૦૦૦ રૂપિયા અને હપ્તે ભરીએ તો રૂપિયા ૨૫,૦૦૦ ભરવાના હોય છે.’