એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગ કેસમાં ઉત્તર પ્રદેશના જૌનપુર બેઠક પરના સમાજવાદી પાર્ટીના સાંસદ બાબુ સિંઘ કુશવાહા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આ કેસમાં રાજધાની લખનઉમાં કાનપુર રોડ પર કુશવાહાની કરોડો રૂપિયાની જમીન જપ્ત કરી છે. આ જમીન પર ગેરકાયદેસર બાંધકામ પણ હતું, જેને તોડવા માટે ઈડીની ટીમ બુલડોઝર સાથે પહોંચી છે.
જ્યારે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સત્તા હતી, ત્યારે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન માં કૌભાંડ થયું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે તે સમયના મંત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ બાબુ સિંહ કુશવાહાનું નામ છે, ત્યારે આ કૌભાંડમાં ૧૦ વર્ષની તપાસ કર્યા બાદ ઈડીએ લખનઉ સ્થિત કુશવાહાની કિંમતી જમીન જપ્ત કરી છે. આ જમીન પર કુશવાહાના હિન્દી સમાચાર પત્રની પ્રિન્ટી મશીન લાગેલી છે તેમજ આ જમીન કૃષિને યોગ્ય પણ છે. ઈડીએ કુશવાહાની સંપત્તિની તપાસ કર્યા બાદ આ જામીનની માહિતી મળી હતી, ત્યારાબાદ એજન્સીએ ભ્રષ્ટાચારના નાણાથી ખરીદાયેલી આ જમીન જપ્ત કરી છે.
ઈડી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કુશવાહા સામે ૧૦ વર્ષથી તપાસ કરી રહી છે. કુશવાહા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસની પણ તપાસ ચાલી રહી છે. ઈડીએ તપાસ કર્યા બાદ કુશવાહાએ કૌભાંડના રૂપિયેથી ઘણી બેનામી મિલકતો ખરીદી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન એજન્સીએ તેણે અન્યના નામે ખરીદેલી સંપત્તિને પણ શોધી કાઢી છે. આમાંથી કાનપુર રોડ પર આવેલી જમીન કુશવાહાએ એક કંપનીના નામે ખરીદી હતી.
ઈડીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કુશવાહાએ એનઆરએચએમ અને ઉત્તર પ્રદેશ લેબર કન્સ્ટ્રક્શન એન્ડ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ માં ભ્રષ્ટાચારથી મેળવેલી રકમથી બેનામી સંપત્તિઓ ખરીદી હતી. આમાંથી ઘણી સંપત્તિઓ કુશવાહાના પરિવાર અને તેમના નજીકનાઓના નામે હોવાનું સામે આવ્યું છે. ઈડીએ અત્યાર સુધીમાં લગભગ ૨૫૦ કરોડથી સંપત્તિ જપ્ત કરી છે.
આ કૌભાંડ બાદ બાબુ સિંહ કુશવાહા લાંબો સમય રાજકારણથી દૂર રહ્યા હતા, જોકે લોકસભા ચૂંટણી-૨૦૨૪માં સમાજવાદી પાર્ટીએ તેમને જૌનપુરથી ટિકિટ આપી હતી અને તેમણે ભાજપના કૃપાસંકર સિંહને હરાવ્યા હતા. જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહે ભાજપના ઉમેદવારનું સમર્થન કર્યું હતું, તેમ છતાં કુશવાહા જીતવામાં સફળ થયા.